હવે ટૂરિસ્ટોની સુરક્ષા કરશે મહારાષ્ટ્ર પર્યટન સુરક્ષા દળ

29 April, 2025 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી મેથી ચોથી મે સુધી યોજાનારા મહાબળેશ્વર મહોત્સવમાં પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મુકાશે

શંભુરાજ દેસાઈ

પહલગામમાં ગયા મંગળવારે ટૂરિસ્ટો પર હુમલો કરી તેમને મારી નાખવામાં આવ્યા હતા એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ટૂરિસ્ટોની સુરક્ષાને પ્રાયોરિટી આપવા ‘મહારાષ્ટ્ર પર્યટન સુરક્ષા દળ’ બનાવવાનો નિર્ણય લીધો છે. બીજી મેથી ચોથી મે દરમ્યાન મહાબળેશ્વર મહોત્સવમાં એનો પાઇલટ પ્રોજેક્ટ રન કરાશે. મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યૉરિટી કૉર્પોરેશનના પચીસ જવાનોને આ પહેલાં પાઇલટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.  

આ ‘મહારાષ્ટ્ર પર્યટન સુરક્ષા દળ’ના જવાનો ટ્રેઇન્ડ હશે. લેટેસ્ટ ટેક્નૉલૉજીથી વાકેફ હશે અને પોલીસ કન્ટ્રોલ સાથે કો-ઑર્ડિનેશનમાં હશે જે કટોકટીના સમયે તાબડતોબ કાર્યવાહી કરવામાં સહાય કરશે. ટૂરિસ્ટો માટે હેલ્પલાઇન, ઇન્ફર્મેશન સેન્ટર અને ડિજિટલ પ્લૅટફૉર્મ દ્વારા પણ સેવા પૂરી પાડવામાં આવશે.

ટૂરિઝમ મિનિસ્ટર શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે ‘પર્યટન સુરક્ષા દળ ટૂરિસ્ટોની સુરક્ષા માટે સજાગ હશે જેના કારણે દેશ-વિદેશના ટૂરિસ્ટોમાં ​વિશ્વાસ વધશે. પર્યટન સુરક્ષા દળના જવાનોને સ્પેશ્યલ ટ્રેઇનિંગ આપવામાં આવશે જેથી તેઓ ટૂરિસ્ટોને ગાઇડ કરી તેમની સુરક્ષા કરશે. એ સિવાય ટૂરિસ્ટ સ્પૉટ પર ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા, હેલ્પ લાઇન અને ક્વિક રિસ્પૉન્સ ફોર્સની પણ ગોઠવણ કરવામાં આવશે.  

આપકી યાત્રા સુર​​​ક્ષિત હો

પહલગામ હત્યાકાંડ બાદ ફરી એવી ઘટના ન બને એ માટે બનતા બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને જાહેર સ્થળોએ રેલવે-સ્ટેશન, બસ-ડેપો અને અન્ય જગ્યાએ સિક્યૉરિટી વધારી દેવામાં આવી છે. ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસ-કર્મચારીઓમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતી.

mumbai news mumbai Pahalgam Terror Attack maharashtra news maharashtra mumbai travel mahabaleshwar