પહેલાં ગોળીબાર, પછી સવાલ; એ કેવો ન્યાય?

12 August, 2026 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તુકારામ મુંઢેની કાર્યશૈલી પર ફરી ભડકી બૉમ્બે હાઈ કોર્ટ: પહેલાં કહેલું કે તમે મચ્છર મારવા માટે તલવાર વાપરી રહ્યા છો, આ વખતે કૅડિલા ફાર્માસ્યુટિકલ્સની અરજી પર કાન આમળીને દંડ ફટકારવાની ચેતવણી આપી

તુકારામ મુંઢે

મહારાષ્ટ્ર ફૂડનું ઍન્ડ ડ્રગ ઍડ્‍્મિનિસ્ટ્રેશન (FDA) મચ્છરને મારવા માટે તલવારનો ઉપયોગ કરી રહ્યું છે અને પહેલાં ગોળી મારે છે અને પછી પ્રશ્નો પૂછે છે એવું અવલોકન કરતાં બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે FDAને અેની સત્તાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા કહ્યું છે. 
પસંદગીની દવાઓ પર FDAની કાર્યવાહીને પડકારતી કૅડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતાં હાઈ કોર્ટે એજન્સીને કોઈ પણ કઠોર પગલાં લેતાં પહેલાં કંપનીને સુનાવણી આપવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે FDA પર ભારે દંડ લાદવાની ચેતવણી આપતાં કહ્યું કે ‘FDA દ્વારા કડક પગલાં લેવાના આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બેન્ચે કહ્યું હતું કે તમારી (FDA) પાસે તલવારનો ઉપયોગ કરવાની સત્તા છે, પરંતુ સમસ્યા એ છે કે તમે અેનો ઉપયોગ મચ્છરને મારવા માટે કરી રહ્યા છો. આ સત્તાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો પડશે. અેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. હોટેલ અને રેસ્ટોરાંના કિસ્સામાં પણ તમે પહેલાં ગોળીબાર કરો છો અને પછી પ્રશ્નો પૂછો છો.’
 FDAએ કોર્ટમાં રજૂઆત કર્યા પછી હાઈ કોર્ટે નિવેદન સ્વીકાર્યું અને અરજીનો નિકાલ કર્યો હતો. 
કૅડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે બ્રૅન્ડિંગ સમાનતાઓને કારણે રાજ્યભરમાં અેની કેટલીક દવાઓના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવા અને ૨.૪૫ કરોડ રૂપિયાનો સ્ટૉક જપ્ત કરવાના FDAના નિર્ણયને પડકાર્યો છે.
બેન્ચે નોંધ્યું હતું કે વિભાગે કોઈ પણ કડક પગલાં લેતાં પહેલાં કંપનીને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવી જોઈતી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે આ આદેશ પસાર થયા પછી છેલ્લાં બે અઠવાડિયાંમાં કંપનીને થયેલા નુકસાન વિશે અમને ચિંતા નથી, અમે એવા લોકો વિશે ચિંતિત છીએ જેઓ આ દવાઓનો ઉપયોગ કરી શક્યા નથી. 
અૅક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અણખડની બેન્ચ દ્વારા કરવામાં આવેલી કમેન્ટ બાદ FDAએ રજૂઆત કરી કે એ અરજદાર સામેના પોતાના આદેશોને રદ કરશે, શૉ-કોઝ નોટિસ ઇશ્યુ કરશે અને તર્કસંગત આદેશ પસાર કરતાં પહેલાં અેને સુનાવણી આપશે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra food and drug administration bombay high court tukaram mundhe