ઓનલાઇન આઇફોન ઓર્ડર કરતા ચેતજો! ઈ-કોમર્સ કંપનીએ મોકલ્યું બિઅર્ડ ઓઇલ, ૧.૮૧ લાખનો થયો દંડ

24 July, 2026 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ordered iPhone 14 Pro, received beard oil: મુંબઈના એક ગ્રાહકને iPhone 14 Pro ને બદલે બિઅર્ડ ઓઇલ મળ્યા બાદ મુંબઈ ગ્રાહક આયોગે ફ્લિપકાર્ટ અને એક વિક્રેતાને રુપિયા ૧.૮૧ લાખથી વધુ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે; પવઈનો ગ્રાહક છેતરાયો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઓનલાઈન શોપિંગ (Online Shopping)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મુંબઈ (Mumbai)ના એક ગ્રાહકે ઓર્ડર કરેલા એપલ આઇફોન ૧૪ પ્રો (Apple iPhone 14 Pro)ના બદલે પાર્સલમાંથી દાઢી વધારવાનું તેલ (Beard Oil) નીકળ્યું હતું. આ મામલે મુંબઈ સબઅર્બન ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (Mumbai Suburban District Consumer Dispute Redressal Commission)એ મોટો ચુકાદો આપતાં ફ્લિપકાર્ટ (Flipkart) અને સેલરને ગ્રાહકને રુપિયા ૧.૮૧ લાખથી વધુની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મુંબઈના પવઈ (Powai) વિસ્તારના રહેવાસી એવા ફરિયાદીએ ૨૨ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ફ્લિપકાર્ટ પરથી નો-કોસ્ટ ઇએમઆઇ (No cost EMI) પર રુપિયા ૧,૧૧,૭૯૩ની કિંમતનો ૧૨૮ જીબી (128 GB)નો Apple iPhone 14 Pro ખરીદ્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, ચાર્જર અને કવર તો યોગ્ય રીતે ડિલિવર થઈ ગયા હતા, પરંતુ બીજા દિવસે આવેલું મુખ્ય પેકેજ ખોલતા જ આઈફોનની જગ્યાએ દાઢી વધારવાનું તેલ અને પેકિંગ મટિરિયલ (Ordered iPhone 14 Pro, received beard oil) નીકળ્યું હતું.

ફરિયાદીએ એપ્રિલ-મે ૨૦૨૩ દરમિયાન ફ્લિપકાર્ટ કસ્ટમર સપોર્ટનો વારંવાર સંપર્ક કર્યો અને તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા હતા. આમ છતાં, કંપનીએ રિફંડ કે રિપ્લેસમેન્ટ આપ્યા વગર જ ફરિયાદ ઉકેલાઈ ગઈ હોવાનું દર્શાવીને કેસ બંધ કરી દીધો હતો.

કમિશનનું કડક અવલોકન: ‘આ સેવામાં ગંભીર ખામી છે’

આ મહિનાની શરૂઆતમાં આદેશ આપતાં કમિશને જણાવ્યું હતું કે, ગ્રાહકને યોગ્ય રાહત આપ્યા વિના વારંવાર ફરિયાદ બંધ કરી દેવી એ અયોગ્ય વેપાર નીતિ (Unfair Trade Practice) છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ વેચાણમાં મદદ કર્યા પછી આવી બાબતોથી પોતાની જાતને અલગ કરી શકે નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે ગ્રાહકે તરત જ ખોટી ડિલિવરી અંગે જાણ કરી હોય.

પેનલે નોંધ્યું હતું કે, ખોટો પ્રોડક્ટ ડિલિવર કરવો, તેને પરત ન લેવો, રિપ્લેસમેન્ટ કે રિફંડ ન આપવું અને ગ્રાહકની ફરિયાદ બંધ કરી દેવી એ સેવામાં સ્પષ્ટ ખામી દર્શાવે છે. આ ઉપરાંત, સેલર `ઈન્ટરનેશનલ વેલ્યુ રિટેલ પ્રાઈવેટ લિમિટેડ` દ્વારા કરાર મુજબ સાચો પ્રોડક્ટ ન આપવો એ પણ સેવામાં ખામી સાબિત કરે છે. તેથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ (ફ્લિપકાર્ટ) અને સેલર બંને સંયુક્ત રીતે જવાબદાર છે.

ગ્રાહકને કેટલું વળતર મળશે?

ગ્રાહક સુરક્ષા કમિશને ફ્લિપકાર્ટ અને સેલરને ૪૫ દિવસની અંદર નીચે મુજબની રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે:

મૂળ રકમ: રુપિયા ૧,૧૧,૭૯૩ (૨૨ એપ્રિલ ૨૦૨૩થી ચૂકવણી સુધી વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે)

માનસિક ત્રાસનું વળતર: રુપિયા ૫૦,૦૦૦

કાનૂની ખર્ચ: રુપિયા ૨૦,૦૦૦

એપલ ઈન્ડિયાને મોટી રાહત

આ મામલે એપલ ઈન્ડિયા (Apple India)એ દલીલ કરી હતી કે તેઓ સ્વતંત્ર ડીલરો દ્વારા પ્રિન્સિપલ-ટુ-પ્રિન્સિપલ ધોરણે વેચાણ કરે છે અને થર્ડ-પાર્ટી સેલર્સની જવાબદારી પર તેમનો કોઈ નિયંત્રણ હોતો નથી. કમિશને આ દલીલને ગ્રાહ્ય રાખીને એપલ ઈન્ડિયા સામેની ફરિયાદ રદ કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ વિવાદ માત્ર ખોટી ડિલિવરીનો છે અને તેને પ્રોડક્ટના ઉત્પાદક સાથે જોડવાનો કોઈ પુરાવો નથી.

consumer court powai mumbai mumbai news flipkart news apple iphone