જર્જરિત LIC બિલ્ડિંગ્સમાં રહેતા ૭૦૦ રહેવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસ

20 December, 2025 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મામલો કોર્ટમાં હોવાને કારણે આવાં ૬૮ બિલ્ડિંગ્સનું રીડેવલપમેન્ટ કોણ કરશે એ નક્કી નથી, લોકો જોખમી ઇમારતોમાં રહેવા મજબૂર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)ની માલિકીનાં ૬૮ બિલ્ડિંગ્સ અત્યંત જર્જરિત હાલતમાં છે. લગભગ ૯૦ વર્ષ જૂનાં આમાંનાં ઘણાં બિલ્ડિંગ્સમાં છત અને દીવાલોના ભાગો તૂટી પડવાના અનેક બનાવો બન્યા છે. આ કારણે રહેવાસીઓમાં ભય અને ચિંતા વધી છે.

આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)ના મુંબઈ બિલ્ડિંગ રિપેર ઍન્ડ રીડેવલપમેન્ટ બોર્ડે અને LICએ અત્યંત જોખમી જણાયેલાં ૧૯ બિલ્ડિંગના ૭૦૦ જેટલા મકાનમાલિકોને નોટિસ મોકલી છે અને તેમને તાત્કાલિક તેમનું ઘર ખાલી કરવાના નિર્દેશ આપ્યા છે.

MHADAએ આ લોકોને રહેવા માટે ટ્રાન્ઝિટ કૅમ્પમાં વૈકલ્પિક જગ્યા આપવાની ઑફર કરી છે, પણ આ બાબતે લોકોની મોટી ચિંતા એ છે કે શું તેમને એક વાર ઘર ખાલી કર્યા પછી ફરી પોતાના ઘરમાં પાછું આવવા મળશે? કારણ કે તેમને રીડેવલપમેન્ટની કોઈ ખાતરી આપવામાં નથી આવી.

કેમ રીડેવલપ નથી થઈ રહ્યાં બિલ્ડિંગ્સ?

LIC બિલ્ડિંગના મેઇન્ટેઇનેન્સ અને રિપેરની જવાબદારી MHADAના રિપેર બોર્ડની છે, પણ હવે આમાંનાં મોટા ભાગનાં બિલ્ડિંગ્સમાં સમારકામ થઈ શકે એમ નથી અને તેમને રીડેવલપ કરવાં પડે એમ છે. એના માટે LICએ રીડેવલપમેન્ટ માટેની પ્રોસેસ કરવી જરૂરી છે. આમ બે સત્તામંડળ વચ્ચે અત્યારે સેંકડો લોકોએ જોખમી બિલ્ડિંગમાં રહેવું પડે છે અને તેમના ભવિષ્ય અધ્ધરતાલ છે. આ સમસ્યાને નિવારવા મહારાષ્ટ્ર સરકારે MHADA ઍક્ટમાં સુધારો કરીને 79A કલમ ઉમેરી હતી, પણ એ કોર્ટમાં રિવ્યુ હેઠળ છે એટલે અત્યારે રહેવાસીઓ માટે રીડેવલપમેન્ટની આશા વધુ ધૂંધળી બની છે.

શું છે MHADA ઍક્ટની કલમ 79A?

આ બાબતના જાણકારોના મતે LIC દ્વારા રીડેવલપમેન્ટની પ્રોસેસ પૂરી કરવામાં ઘણું મોડું કરવામાં આવે છે એટલે મહારાષ્ટ્ર સરકારે MHADA ઍક્ટમાં સુધારો કરીને 79A કલમ ઉમેરી હતી જે આવાં બિલ્ડિંગ્સના રીડેવલપમેન્ટનો પ્રસ્તાવ મૂકવા માટે LIC (કે એવા બીજા જમીનમાલિકને)ને ૬ મહિના આપે છે. એ ન કરી શકે તો પછી મકાનમાલિકોને ૬ મહિના આપે છે અને તે લોકો પણ ન કરી શકે તો MHADA પોતે એ જમીનનો કબજો લઈને કામગીરી આગળ વધારી શકે છે. જોકે આ સુધારાની ઘણી ટીકા થઈ છે અને એને લીધે મુંબઈની જમીન પર કબજો કરવાથી MHADAને બેફામ શક્તિ મળે છે એવી ફરિયાદો સાથે આ બાબત કોર્ટમાં છે.

MHADA lic india maharashtra news maharashtra mumbai mumbai news