107 પાકિસ્તાની નાગરિકો અંગે શિંદે -ફડણવીસના જુદાં મત, શું છૂટી પડશે BJP-Sena?

28 April, 2025 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pahalgam Terror Attack: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે રાજ્ય સરકાર પાકિસ્તાની નાગરિકોને શોધવામાં નિષ્ફળ રહી હોવાના અહેવાલો ખોટા છે. પરંતુ એકનાથ શિંદેએ કહ્યું કે વિઝા પર રાજ્યમાં આવેલા ૧૦૭ પાકિસ્તાની નાગરિકો ગુમ છે.

દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે રાજ્ય સરકાર પાકિસ્તાની નાગરિકોને શોધવામાં નિષ્ફળ રહી હોવાના અહેવાલો ખોટા છે. પૂણેમાં `પુણે અર્બન ડાયલૉગ` કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે સરકારે પાકિસ્તાનથી આવેલા દરેક વ્યક્તિની પરત જવાની વ્યવસ્થા કરી છે. ફડણવીસે લોકોને ખોટી માહિતી શૅર ન કરવાની અપીલ કરી. ફડણવીસે કહ્યું, `એવા અહેવાલો છે કે મહારાષ્ટ્રમાં રહેતા 107 પાકિસ્તાની નાગરિકો ગુમ છે. રાજ્યના ગૃહમંત્રી તરીકે, હું સ્પષ્ટ કરવા માગુ છુ કે રાજ્યમાં કોઈ પાકિસ્તાની નાગરિક ગુમ નથી. દરેક વ્યક્તિ મળી ગઈ છે, અને અમે તેમને પાછા મોકલવાની વ્યવસ્થા કરી છે. તેમાંથી કોઈ અહીં રહેશે નહીં. તેમના પરત ફરવાની પ્રક્રિયા સોમવાર સવાર સુધીમાં પૂર્ણ થઈ જશે.

ક્યારે વિદેશી નાગરિકોને ગુમ ગણવામાં આવે છે?
જ્યારે વિદેશી નાગરિકો પોલીસ કમિશનરેટ હેઠળના ફૉરેનર્સ રજિસ્ટ્રેશન ઑફિસ (Foreigners Registration Office) ને જાણ કરતાં નથી અને ઑફિસ તેમનો સંપર્ક કરવામાં અસમર્થ રહે છે ત્યારે તેમને ગુમ જાહેર કરવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ વિદેશી નાગરિક પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની માહિતી ન આપે તો તેને ગુમ થયેલ ગણી શકાય.

એકનાથ શિંદેએ શું કહ્યું?
દેવેન્દ્ર ફડણવીસે ભાષણ આપ્યાના થોડા કલાકો પછી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણાની એક રેલીમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે વિઝા પર રાજ્યમાં આવેલા 107 પાકિસ્તાની નાગરિકો ગુમ છે. શિંદેએ કહ્યું, "મોદીજી અને અમિત શાહ બંનેએ પાકિસ્તાની નાગરિકોને આપણો દેશ છોડી દેવા કહ્યું છે, અને આ એક એવો આદેશ છે જે દરેક ભારતીય પોતાના હૃદયથી ઇચ્છતો હતો. મહારાષ્ટ્રમાં 107 પાકિસ્તાની નાગરિકો ગુમ થયા છે. હું તેમને તેમના દેશમાં પાછા જવાની ચેતવણી આપું છું. નહિંતર, પોલીસ તેમને શોધી કાઢશે. લોકો ગુસ્સે છે."

મહારાષ્ટ્રમાં 5000 પાકિસ્તાની
મહારાષ્ટ્રના મંત્રી યોગેશ કદમે શનિવારે પુણેમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લગભગ 5,000 પાકિસ્તાની નાગરિકો છે. આમાંથી, લગભગ 2,800 લોકો લૉન્ગ ટર્મ વિઝા (Long Term Visas) પર છે. આવા લોકોને વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા જાહેર કરાયેલા નિયમોથી કોઈ અસર થશે નહીં. ભારતમાં લાંબા સમય સુધી રહેવા માગતા લોકોને લૉન્ગ ટર્મ વિઝા આપવામાં આવે છે.

લોકોએ પોતાના પાકિસ્તાની પાસપોર્ટ સોંપ્યા
કદમે કહ્યું કે કેટલાક પાકિસ્તાની નાગરિકો 8-10 વર્ષથી ભારતમાં રહી રહ્યાં છે. કેટલાક લોકોએ ભારતીય નાગરિકો સાથે લગ્ન કર્યા છે, અને તેમણે પોતાનો પાકિસ્તાની પાસપોર્ટ સરેન્ડર કરી ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે. વિદેશ મંત્રાલયના નિયમો અનુસાર, શૉર્ટ ટર્મ વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોએ રવિવાર પહેલા પાકિસ્તાન પરત જવું પડશે, જ્યારે મેડિકલ વિઝા પર આવેલા નાગરિકોએ 29 એપ્રિલ સુધી જવું પડશે.

શિંદે અને ફડણવીસના અલગ અલગ નિવેદન
સરકારે શુક્રવારે પાકિસ્તાની નાગરિકો માટે શૉર્ટ ટર્મ વિઝા (Short Term Visa) સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નિર્ણય હિન્દુ પાકિસ્તાની નાગરિકોને જાહેર કરાયેલા લૉન્ગ ટર્મ વિઝા (LTVs) પર લાગુ થશે નહીં, એટલે કે તેમના વિઝા માન્ય રહેશે. આ સમગ્ર મામલામાં વિરોધાભાસ છે. એક તરફ મુખ્ય પ્રધાન ફડણવીસનું કહેવું છે કે કોઈ પાકિસ્તાની નાગરિક ગુમ નથી, તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી શિંદેનું કહેવું છે કે 107 પાકિસ્તાની નાગરિકો ગુમ છે. આના કારણે લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે

eknath shinde devendra fadnavis ministry of external affairs bharatiya janata party mumbai police Pahalgam Terror Attack terror attack pakistan mumbai news maharashtra news news