24 April, 2025 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંતિમયાત્રામાં હજારો લોકો ઊમટ્યા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા : આજે ડોમ્બિવલી બંધ
દીકરાઓની SSCની પરીક્ષા પૂરી થયા બાદ સંજય લેલે અને હેમંત જોશીએ મિત્ર અતુલ મોને સાથે કાશ્મીરની ફૅમિલી-ટૂરમાં જવાનો પ્લાન બનાવ્યો હતો
ડોમ્બિવલીમાં રહેતા બેસ્ટ ફ્રેન્ડ્સ સંજય લેલે, અતુલ મોને અને હેમંત જોશી સાથે સપરિવાર કાશ્મીરની ટૂરમાં ગયા હતા. ડોમ્બિવલી-વેસ્ટમાં પાંડુરંગ વાડીમાં રહેતા સંજય લેલેના પુત્ર હર્ષલ અને હેમંત જોશીના પુત્ર ધ્રુવની SSCની પરીક્ષા પૂરી થયા બાદ તેમણે કાશ્મીર ફરવા જવા માટે અતુલ મોને સાથે પ્લાન બનાવ્યો હતો. મંગળવારે ત્રણેય ફ્રેન્ડ્સ તેમની ફૅમિલી સાથે પહલગામમાં હતા ત્યારે ત્રણેયને આતંકવાદીઓએ ગોળી મારી હતી, જેમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ બધાએ દમ તોડી દીધો હતો. સંજય લેલેના પુત્ર હર્ષલના હાથની આંગળીને ચીરીને એક ગોળી નીકળી ગઈ હતી. જોકે તે આ હુમલામાં બચી ગયો હતો. એકસાથે ત્રણ ફૅમિલીના મોભીની અચાનક વિદાય થઈ છે. આથી એકસાથે ત્રણ ફ્રેન્ડ્સનાં અચાનક અવસાન થવાની સાથે ત્રણેયના પરિવાર નોધારા બની ગયા હોવાની જાણ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સંજય લેલે, અતુલ મોને અને હેમંત જોશી દરરોજ સવારના એકસાથે જૉગિંગ કરવા માટે મળતા. તેમને ક્રિકેટનો જબરો શોખ હતો એટલે જ્યારે પણ મોકો મળતો ત્યારે તેઓ મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચી જતા હતા. એન્જિનિયર અતુલ મોને સેન્ટ્રલ રેલવેના પરેલ ખાતેના કારશેડમાં કામ કરતા હતા. સંજય લેલે એક પ્રાઇવેટ સંસ્થામાં કામ કરતા હતા, જ્યારે હેમંત જોશી પણ એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતા હતા.
ગઈ કાલે બપોર બાદ ત્રણેયના મૃતદેહને કાશ્મીરથી ફ્લાઇટમાં મુંબઈ લાવ્યા બાદ ડોમ્બિવલીમાં લઈ જવામાં આવ્યા હતા. ડોમ્બિવલી-વેસ્ટમાં આવેલા ભાગશાળા મેદાનમાં ત્રણેય મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. એ પછી એકસાથે ત્રણેયની અંતિમક્રિયા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આજે ડોમ્બિવલી સ્વયંભૂ બંધ પાળશે
કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં ડોમ્બિવલીના ત્રણ રહેવાસી મૃત્યુ પામ્યા છે. તેમની ગઈ કાલે અંતિમયાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા. આ હુમલા વિશે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે એથી સ્વયંભૂ ડોમ્બિવલી બંધ રાખવાની જાહેરાત કરી છે.