07 July, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચારકોપમાં ૧૫ વર્ષની સગીરાએ પોતાની મા, સાવકા બાપ અને એક રિક્ષા-ડ્રાઇવર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવીને ત્રણેયની ધરપકડ કરાવી છે. સગીરાની ફરિયાદ મુજબ તેની મમ્મી તેને બળજબરીપૂર્વક વેશ્યાવૃત્તિમાં ધકેલતી હતી તેમ જ સાવકા બાપે અનેક વાર તેના પર બળાત્કાર કર્યો હતો.
ચારકોપમાં રહેતી ૧૫ વર્ષની સગીરા અચાનક ગુમ થઈ જતાં તેની મમ્મીએ પાંચ-છ દિવસ પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એને પગલે ચારકોપ પોલીસે સગીરાના મોબાઇલ લોકેશનને ટ્રેસ કરીને નાલાસોપારામાંથી તેને શોધી કાઢી હતી. ત્યાર બાદ તેની પૂછપરછ કરતાં આખો મામલો બહાર આવ્યો હતો.
સગીરાએ જણાવ્યું હતું કે તે ચારકોપમાં તેની ૩૭ વર્ષની મમ્મી અને ૨૮ વર્ષના સાવકા પપ્પા સાથે રહે છે. છેલ્લા ૬થી ૭ મહિનામાં તેના પપ્પાએ અનેક વાર તેના પર બળાત્કાર કર્યો હતો. તેની મમ્મી કસ્ટમર બુક કરીને મીરા રોડ અને વિરારની હોટેલોમાં તેને બળજબરીપૂર્વક મોકલતી હતી, જેના માટે તેની મમ્મી ગ્રાહક પાસેથી ૧૨૦૦ રૂપિયા લેતી હતી. એક રિક્ષા-ડ્રાઇવર સગીરાને કસ્ટમર પાસે હોટેલોમાં લઈ જવાનું કામ કરતો હતો. પંચાવન વર્ષના આ રિક્ષા-ડ્રાઇવરે પણ અનેક વાર સગીરા પર બળાત્કાર કર્યો હતો. તેથી કંટાળીને સગીરા નાલાસોપારામાં રહેતી તેની બહેનપણીના ઘરે જતી રહી હતી.
ચારકોપ પોલીસે સગીરાની ફરિયાદના આધારે તેની મમ્મી, પપ્પા અને રિક્ષા-ડ્રાઇવરની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યાં છે. તેઓ અત્યારે પોલીસ-કસ્ટડીમાં છે.