26 November, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ આરોપીઓની કરેલી ધરપકડ
વસઈ-વિરાર વિસ્તારમાં સતત ૩ ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓને અંજામ આપીને ચકચાર મચાવનારા બે આરોપીઓની વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3એ ધરપકડ કરી છે. ૧૭ નવેમ્બરે
માત્ર પચીસ મિનિટના ટૂંકા ગાળામાં વસઈ-ઈસ્ટ અને નાલાસોપારા-ઈસ્ટ વિસ્તારમાં ૩ મહિલાઓના ગળામાંથી કુલ મળીને ૪૫ ગ્રામ વજનની સોનાની ચેઇન અને મંગળસૂત્ર ઝૂંટવી લેવામાં આવ્યાં હતાં. પ્રથમ ઘટનામાં ૪૮ વર્ષની મહિલાની ૮ ગ્રામની સોનાની ચેઇન, બીજી ઘટનામાં ૪૦ વર્ષની મહિલાનું ૧૭ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર અને ત્રીજી ઘટનામાં ૬૧ વર્ષનાં મહિલાની ૨૦ ગ્રામની સોનાની ચેઇન લૂંટવામાં આવ્યાં હતાં. પોલીસ-તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ૧૬ નવેમ્બરે વસઈ ગામના પારનાકા વિસ્તારમાંથી સફેદ રંગનું ટૂ-વ્હીલર ચોર્યું હતું અને આ જ વાહન પર સવાર થઈને ત્રણે જણે લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો.
કોણ છે આરોપીઓ? કેવી રીતે પકડાયા?
વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસથી બચવા માટે બન્ને આરોપીઓ કાંદળવન અને સુરુચિ બાગના જંગલ વિસ્તારમાં સંતાઈ ગયા હતા, પરંતુ આખરે ગુપ્ત બાતમીના આધારે અમે તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કરેલા આરોપીઓમાં પંચવટી-નાશિકના રહેવાસી બાવીસ વર્ષના રાકેશ રાઠોડ અને મુળશી-પુણેના રહેવાસી ૨૦ વર્ષના આદિત્ય માંઝિરેનો સમાવેશ થાય છે. પોલીસ-રેકૉર્ડ મુજબ રાકેશ સામે અગાઉ ૯ અને આદિત્ય સામે બે ગુના નોંધાયેલા છે, આ કેસમાં વધુ એક આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે. ચેઇન-સ્નૅચિંગના ત્રણ અને વાહનચોરીના એક મળી કુલ ૪ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે, જ્યારે આ મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.’