10 April, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંઢરપુરમાં રહેતી મનીષા વાઘેલા અને તેના પતિનું લૉટરીની ટિકિટ વેચનારાએ સન્માન કર્યું હતું.
પંઢરપુરમાં રહીને શૌચાલયની સફાઈ કરવાનું કામકાજ કરતી અને બેઠી ચાલની નાનકડી રૂમમાં રહેતી ગુજરાતી મહિલા મનીષા વાઘેલા રાતોરાત લખપતિ બની ગઈ છે. મનીષા વાઘેલા પતિ સાથે પંઢરપુરમાં આવેલી મેહતર ગલીની રૂમમાં રહે છે. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ તે લખપતિ બનશે. થોડા દિવસ પહેલાં મનીષા પંઢરપુરના ચૌફાળા વિસ્તારમાં આવેલા ગણપતિના મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. એ સમયે તેની નજર મંદિર પાસે લૉટરીની ટિકિટ વેચનારા પર પડી હતી. નસીબ અજમાવવા મનીષાએ રાજશ્રી લૉટરીની ૫૦ રૂપિયાની ટિકિટ ખરીદી હતી.
લૉટરીની ટિકિટ ખરીદ્યા બાદ મનીષા એને પર્સમાં મૂકીને પોતાના કામમાં લાગી ગઈ હતી. રાજશ્રીની વીકલી લૉટરીનો ડ્રૉ રવિવારે થયો હતો. ત્યારે મનીષાને ૨૧ લાખ રૂપિયાનું પહેલું ઇનામ લાગ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. પોતાને લૉટરી લાગી હોવાની જાણ થતાં મનીષા ખુશીથી નાચી ઊઠી હતી.
૨૧ લાખ રૂપિયાની લૉટરી લાગ્યા બાદ મનીષાએ કહ્યું હતું કે ‘મારો પરિવાર પતરાની રૂમમાં રહે છે એટલે લૉટરીમાં મળેલા રૂપિયાથી સૌથી પહેલું કામ પાકું ઘર બનાવવાનું અને પુત્રને ભણાવવાનું કરીશ. પુત્ર ભણશે તો મોટો માણસ બનશે એટલે તેને શૌચાલય સાફ કરવાનું કામ નહીં કરવું પડે. મેં ગણપતિબાપ્પાનાં દર્શન કરીને લૉટરીની ટિકિટ ખરીદી હતી. ગરીબી દૂર કરનારા બાપ્પાનો ખૂબ-ખૂબ આભાર.’