25 November, 2025 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનંત ગર્જે અને ગૌરી પાલવનાં લગ્નમાં પંકજા મુંડેએ હાજરી આપી હતી ત્યારની તસવીર.
રાજ્યનાં મિનિસ્ટર પંકજા મુંડેના પર્સનલ અસિસ્ટન્ટ અનંત ગર્જેની ધરપકડ કરવામાં આવી છે. અનંત ગર્જેની પત્ની ડૉ. ગૌરીએ સાસરિયાંના ત્રાસને લીધે આત્મહત્યા કર્યા બાદ પોલીસ હાથ ધરેલી તપાસમાં જણાયું હતું કે અનંત ગર્જેએ પત્નીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. આ આરોપસર વરલી પોલીસે અનંત ગર્જેની ગઈ કાલે સવારે ધરપકડ કરી હતી. ગઈ કાલે જ ડૉ. ગૌરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આરોપી અનંત ગર્જેની પત્ની ડૉ. ગૌરી પાલવે ગર્જેએ શનિવારે વરલી ખાતેના તેના ફ્લૅટમાં ઘરેલુ વિવાદને કારણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ ગૌરીના પિતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે વરલી પોલીસે પંકજા મુંડેના પર્સનલ અસિસ્ટન્ટ અને તેના બે સંબંધીઓ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધ્યો હતો.
ગૌરીના કાકાએ આરોપ લગાવ્યો હતો કે ગૌરીએ આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. આ કેસને હત્યાનો કેસ ગણીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કેસની તપાસ સોંપવામાં આવે એવી માગણી તેમણે કરી છે.