01 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્લુ બાસ્કેટમાં પેરન્ટ્સની ચિઠ્ઠી સાથે મળી આવેલી બાળકી.
આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાનું એક ચિઠ્ઠીમાં લખીને શુક્રવારે સવારે પોતાની બે દિવસની નવજાત બાળકીને પનવેલમાં ત્યજી દેનારા પેરન્ટ્સ પકડાઈ ગયા છે. પનવેલ શહેર પોલીસે બાળકીને રોડ પર ત્યજી દેનારાં મમ્મી-પપ્પા સામે ફરિયાદ નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. દરમ્યાન, ઘટનાસ્થળ નજીક લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ તપાસ કરીને પોલીસે ગઈ કાલે ભિવંડીમાં રહેતાં બાળકીનાં મમ્મી-પપ્પાની ધરપકડ કરી હતી.
પનવેલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે એક નાગરિકને એક બકેટમાં નવજાત બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. એની જાણ અમને કરવામાં આવતાં તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી અને બાળકીને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. આ બકેટમાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી જેમાં અંગ્રેજીમાં આર્થિક પરેશાની સારી ન હોવાથી બાળકીને અમે સંભાળી શકીએ એમ નથી એટલે તેને રોડ પર છોડવામાં આવી હોવાનું લખવામાં આવ્યું હતું. આ ચિઠ્ઠીમાં પેરન્ટ્સે સૉરી પણ લખ્યું હતું. ત્યાર બાદ અમારી ટીમે બાળકીનો તાબો મેળવીને તેને અલીબાગમાં આવેલા ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં રાખી હતી. એની સાથે બાળકીનાં મમ્મી-પપ્પાની શોધ પણ શરૂ કરી હતી. એ સમયે ઘટનાસ્થળ પરના CCTV કૅમેરાનાં ફુટેજમાં બે લોકો અમને મળી આવ્યા હતા જેમની ટેક્નિકલ માહિતીના આધારે તપાસ કરતાં તેઓ ભિવંડીના હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. બન્નેની પૂછપરછ કરતાં તેમણે કબૂલ કર્યું હતું કે તેમણે લવમૅરેજ કર્યાં હતાં, પણ એકબીજાના ઘરે જાણ કરી નહોતી. દરમ્યાન બાળક રહી જતાં તેમણે ભિવંડીની હૉસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. એ પછી ઘરે શું કહીશું એવા ડરથી બાળકને પનવેલમાં ત્યજી દીધું હતું.’