15 March, 2025 02:15 PM IST | Beed | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની ત્રણેક મહિના પહેલાં ઘાતકી રીતે હત્યા થયા બાદથી આ જિલ્લાની ખૂબ બદનામી થઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની ચિંતા નિર્માણ થવાને લીધે સ્થાનિક રહેવાસીઓ હતાશામાં છે એટલે તેમને હતાશામાંથી બહાર લાવવા માટે ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૧૯ માર્ચે પરલી મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ફિટનેસ-આઇકન મિલિંદ સોમણ સહિત ૨૦૦૦ જેટલા લોકો દોડશે.
બીડ જિલ્લામાં આવેલા પરલી અને આસપાસનાં ગામોમાં છેલ્લાં કેટલાંક વર્ષથી ખેતી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરીને ખેડૂતોને પગભર કરવા માટેનું કામ ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના અધ્યક્ષ મયંક ગાંધીએ કહ્યું હતું કે ‘મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને ત્યાર બાદ થઈ રહેલા રાજકીય આરોપને લીધે બીડની ભારે બદનામી થઈ છે જેને લીધે બીડના રહેવાસીઓ હતાશામાં સરી પડ્યા છે. આ લોકોમાં ફરી ઉત્સાહ આવે એ માટે પરલીમાં ૧૯ માર્ચે મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે. પરલીના યુવાનોને મૅરથૉનમાં જોડાવા પ્રોત્સાહિત કરવા માટે ફિટનેસ-આઇકન મિલિંદ સોમણે આગેવાની લીધી છે. મૅરથૉનમાં મિલિંદ સોમણની સાથે બીડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને કલેક્ટર ઉપરાંત મહાનુભાવો પણ જોડાશે. પરલીના ગ્રામીણ શિક્ષણ અને વિકાસ સેન્ટર કૃષિકુલમાં આ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી બીડ જિલ્લાના રહેવાસીઓમાં ફરી ઉત્સાહ પેદા થશે અને તેઓ મેસેજ આપશે કે પરલી હિંસા અને ગુનેગારી માટેનું નહીં પણ વિકાસ અને યુનિટનું કેન્દ્ર છે.’