10 April, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શુક્લા, રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નું રજિસ્ટ્રેશન રદ કરાવવા માટે ઉત્તર ભારતીય વિકાસ સેના નામની સંસ્થાના સુનીલ શુક્લાએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે. સુનીલ શુક્લાએ પત્રકારોને કહ્યું હતું કે ‘રાજ ઠાકરેએ ગુઢીપાડવાની રૅલીમાં કાર્યકરોને હાકલ કરી એ પછી MNSના કાર્યકરોએ રાજ્યમાં મરાઠીમાં ફરજિયાત કારભાર કરાવવા માટે બૅન્કોમાં જઈને આંદોલન કર્યું હોવાથી એનો હવાલો આપીને મેં આ પિટિશન દાખલ કરી છે. MNS ફક્ત ઉત્તર ભારતીયોની ખિલાફ નથી, તેઓ ઍન્ટિ-હિન્દુ પણ છે કારણ કે MNSએ જે બૅન્કના અધિકારીઓ પર હુમલો કર્યો હતો તેઓ હિન્દુ હતા.’
જોકે આ ડેવલપમેન્ટથી MNS બરાબરની ભડકી છે. પાર્ટીના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘MNSનું રજિસ્ટ્રેશન રદ કરાવવા કોઈ એક ભૈયો કોર્ટમાં ગયો છે. જ્યારે ઉત્તર ભારતીય મરાઠી માણૂસની પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આવા લોકોને મુંબઈ કે મહારાષ્ટ્રમાં રહેવા દેવા જોઈએ કે નહીં. પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) આ કામ કરી રહી છે. તેઓ આ બધું પોતાના માણસ પાસે કરાવી રહ્યા છે, પણ અમે તેમનાથી નથી ડરતા.’
ગયા અઠવાડિયે રાજ ઠાકરેએ પોતાની પાર્ટીના કાર્યકરોને આંદોલન અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બાબતે આપણે લોકોને જાગૃત કરી લીધા છે. MNSના કાર્યકરોના હુમલા બાદ યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયને આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આવાં અસામાજિક તત્ત્વોની સામે ઍક્શન લેવા કહ્યું હતું.