હું ભલે ડૉક્ટર ન હોઉં, પણ હું સર્જરી કરું છું. સર્જરી કરવા માટે વાઘનું કાળજું જોઈએ, શિયાળનું નહીં

20 June, 2026 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી તો ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી હૈ એમ જણાવીને એકનાથ શિંદેએ કહ્યું...

ગઈ કાલે ગોરેગામના નેસ્કો સેન્ટરમાં એકનાથ શિંદે (તસવીર : સતેજ શિંદે)

શિવસેનાના ૬૦મા સ્થાપનાદિને ગોરેગામના નેસ્કો સેન્ટરમાં સભ્યોને સંબોધતાં શિવસેનાના અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મારી સામે આ ભગવાં વાદળો બનીને બેઠેલા શિવસૈનિકો મારી સાચી સંપત્તિ છે. ઘણા લોકોની નજર આપણા પર ટકેલી છે. દરેકને ઉત્સુકતા છે કે હું શું કહીશ? સ્ટેજ પર કોણ દેખાશે અને શું થશે? જોકે આજે તમારી સામે આ ‘ટાઇગર’ ઊભો છે. અત્યાર સુધી તો ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી હૈ.’

જોકે ચર્ચા હતી એમ શિવસેના (UBT) સાથે છેડો ફાડનારા સંસદસભ્યોમાંથી કોઈ સભામાં હાજર રહ્યું નહોતું.

સ્થાપનાદિનના ભાષણમાં એકનાથ શિંદેએ બીજું શું-શું કહ્યું...

હું જોઉં છું કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક કૂતરા સતત ભસી રહ્યા છે. કૂતરાઓ ટોળામાં ભસે છે, જ્યારે વાઘ એકલો આવે છે. હું તમારી સામે ટાઇગર બનીને ઊભો છું. હવે જુઓ આગળ શું થાય છે.

તમારા સંસદસભ્યો તમને છોડીને ગયા તો હું શું કરું? તમે આત્મચિંતન કરો.

હું ભલે ડૉક્ટર ન હોઉં, પણ હું સર્જરી કરું છું. સર્જરી કરવા માટે વાઘનું કાળજું જોઈએ, શિયાળનું નહીં.

માત્ર લોહીના સંબંધનો દાવો કરવાથી અથવા જમીનના રેકૉર્ડમાં પોતાનું નામ દાખલ કરાવવાથી કોઈ વારસદાર બનતું નથી. મહેનત કરશે તેને જ પદ મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેદાગ વડા પ્રધાન છે અને જો બાળાસાહેબ જીવતા હોત તો તેઓ નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરત.

મારા અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ખટરાગ કરાવવાના પ્રયત્નો થાય છે; પણ યાદ રહે કે અમે ખુરસી માટે નહીં, મહારાષ્ટ્ર માટે કામ કરીએ છીએ. 

shiv sena eknath shinde political news maharashtra political crisis maharashtra news maharashtra mumbai mumbai news