09 March, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાજી અલી દરગાહ
મુંબઈના દરિયાકિનારે પ્રતિષ્ઠિત હાજી અલી દરગાહ પર વિશ્વનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવવા માટે મહારાષ્ટ્ર સરકારને એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે એમ હાજી અલી દરગાહ અને માહિમ મખદૂમ શાહ બાબા દરગાહના ટ્રસ્ટી સુહેલ ખંડવાણીએ રવિવારે જણાવ્યું હતું.
સુહેલ ખંડવાણીએ જણાવ્યું હતું કે ‘વરલીના દરિયાકિનારે આવેલી દરગાહ ભારતના અગ્રણી આધ્યાત્મિક સ્થળોમાંની એક છે. વર્ષે લાખો લોકો એની મુલાકાત લે છે. ભારતના ઇતિહાસમાં એનું ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન છે અને એ શ્રદ્ધા, સમાવેસિતા અને સાંપ્રદાયિક સૌહાર્દની દીવાદાંડી તરીકે એ ઊભી છે. આ નાના ટાપુ પર હવે વિશ્વનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. અમે પરવાનગી માટે મહારાષ્ટ્ર સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. દરગાહ નજીક લગાવવામાં આવનારો ધ્વજ દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રની સહિયારી ઓળખનું સીમાચિહ્નરૂપ પ્રતીક છે. ધ્વજસ્તંભ અને ધ્વજ માટે ખાસ કાપડ અને ખાસ થાંભલા માટે ગુણવત્તાયુક્ત ધાતુનો ઉપયોગ કરવામાં આવશે.’