25 November, 2025 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્ણવ ખૈર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)-અંબરનાથ ટ્રેનમાં પ્રવાસ કરવા દરમ્યાન કલ્યાણના ટીનેજર અર્ણવ ખૈરે પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે. મરાઠી બોલવાના મુદ્દે દલીલ થયા બાદ સાથી-મુસાફરોએ હુમલો કરીને ધમકી આપી હોવાથી અર્ણવ માનસિક તાણમાં આવી ગયો હતો એને કારણે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી એવો આરોપ અર્ણવના પપ્પાએ મૂક્યો છે. જોકે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે પણ હજી સુધી કોઈ કડી નથી મળતી.
૧૮ નવેમ્બરે બનાવ બન્યો એ દિવસે CSMT-અંબરનાથ લોકલ ટ્રેનના એ જ કોચમાં સવાર લગભગ ૧૦ પ્રવાસીઓની પૂછપરછ પોલીસે કરી હતી. પૂછપરછ દરમ્યાન ઘણા લોકોએ દાવો કર્યો હતો કે અમને કોઈ ઝઘડો કે મારઝૂડ જોવા નહોતાં મળ્યાં. પીક અવર્સની ભીડને કારણે પણ કદાચ પ્રવાસીઓનું ધ્યાન ગયું નહોતું એવું અમુક લોકોએ જણાવ્યું હતું. કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની મદદથી અંબરનાથથી થાણે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં ચડેલા પ્રવાસીઓને શોધવા માટે CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં છે. હવે કોચમાં રહેલા અન્ય પ્રવાસીઓને ઓળખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મુસાફરોની પૂછપરછ ઉપરાંત પોલીસે અર્ણવના મોબાઇલ ફોનને ફૉરેન્સિક લૅબમાં મોકલ્યો છે જેથી આત્મહત્યા કરતાં પહેલાં કરેલા મેસેજ, વૉઇસ-રેકૉર્ડિંગ્સ, વિડિયો અથવા કૉલ્સની માહિતી મેળવી શકાય.