27 October, 2025 07:30 AM IST | Igatpuri | Gujarati Mid-day Correspondent
CBI દ્વારા પાડવામાં આવેલી રેઇડમાં મળી આવેલાં નોટોનાં બંડલ.
ઇગતપુરીની હોટેલમાંથી ચલાવવામાં આવતા ફેક કૉલ સેન્ટરના સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ઑગસ્ટ મહિનામાં કરવામાં આવેલા પર્દાફાશ બાદ કેસમાં મની-લૉન્ડરિંગની તપાસ કરી રહેલું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) છેતરપિંડીના એ પૈસા ક્યાં વાળવામાં આવ્યા એની તપાસ કરી રહ્યું છે. એ કેસમાં એ કૉલ સેન્ટર સ્થાનિક વગદાર સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ ચાલતું હતું એવા આક્ષેપ થઈ રહ્યા છે. એમાં કેટલાક IPS ઑફિસર પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ થયો હતો. એથી કેટલાક IPS ઑફિસરોની ટ્રાન્સફર પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેઓ આ કૉલ સેન્ટરને બચાવતા હોવાનો આક્ષેપ થયો હતો.
એ કૉલ સેન્ટરમાંથી વિદેશી નાગરિકોને ફોન કરવામાં આવતા. તેમને કહેવામાં આવતું કે તેમનું અકાઉન્ટ કૉમ્પ્રોમાઇઝ થયું છે અને એ સમસ્યા ઉકેલવા તેઓ ટેક્નિકલ સહાય આપશે. એ માટે ડિજિટલ ટ્રાન્સફર, ડિજિટલ ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટોકરન્સી અને ઈ-વાઉચર્સથી પૈસા પડાવવામાં આવતા હતા. એ રેઇડ દરમ્યાન ૧.૨૦ કરોડ રૂપિયાની રોકડ, ૫૦૦ ગ્રામ સોનું, ૭ લક્ઝરી કાર, ૪૪ લૅપટૉપ અને ૭૧ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ૫૦૦૦ ડૉલર (આશરે પાંચ લાખ રૂપિયા)નાં ક્રિપ્ટો ટ્રાન્ઝૅક્શન્સ અને ૨૦૦૦ કૅનેડિયન ડૉલરનાં ગિફ્ટ કાર્ડ્સનાં ટ્રાન્ઝૅક્શન્સના ડિજિટલ પુરાવા મળી આવ્યા હતા. આ કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
- અનિશ પાટીલ