મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું: કિરીટ સોમૈયા અને સંજય રાઉત વચ્ચે પરસ્પર વાકયુદ્ધ

24 April, 2022 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આખી રાત રાજનીતિ ચાલુ રહી, રવિવારે સવારે ફરી એક બીજા પર શાબ્દિક પ્રહારો શરૂ થયા હતા

કિરીટ સોમૈયા અને સંજય રાઉત. ફાઇલ તસવીર

સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. શનિવારે દિવસભર ચાલેલા નાટક બાદ સાંજે ભાજપના નેતા કિરીટ સોમૈયા પર હુમલો કરવામાં આવ્યો હતો. આખી રાત રાજનીતિ ચાલુ રહી, રવિવારે સવારે ફરી એક બીજા પર શાબ્દિક પ્રહારો શરૂ થયા હતા. બીજેપી નેતા કિરીટ સોમૈયાએ પ્રેસ કોન્ફરન્સ કરી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું, તો સંજય રાઉતે પણ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. સંજય રાઉતે કિરીટ સોમૈયા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

કિરીટે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે મુંબઈ પોલીસે તેમની સામે ખોટો કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ ઉદ્ધવ ઠાકરેના દબાણમાં કામ કરી રહી છે. સોમૈયાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. આ દરમિયાન સંજય રાઉતે કિરીટ સોમૈયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે “સોમૈયા વધુ બોલે નહીં, નહીં તો મોઢામાં કાગળ મૂકી દઈશ.”

કિરીટ સોમૈયાએ કહ્યું કે “ઉદ્ધવ ઠાકરે સરકાર ગુંડાગીરી કરે છે, કૌભાંડ કરે છે. મુંબઈ પોલીસ સહી વગર FIR નોંધી રહી છે. કમાન્ડો સાથે મારપીટ કરાઇ હતી. ઉદ્ધવ ઠાકરેની સરકારને જોઈ લઈશું.” તેમણે કહ્યું કે “ભાજપ છેલ્લા 12 મહિનાથી ઉદ્ધવ ઠાકરે સરકારના કૌભાંડો બહાર કાઢી રહી છે, ઉદ્ધવ ઠાકરે સરકારના માફિયાઓને ભાજપે રજૂ કર્યા છે. એટલે ઉદ્ધવની પોલીસ ગુંડાગીરી કરી રહી છે.”

બીજી તરફ સંજય રાઉતે કિરીટ સોમૈયા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે “કિરીટ સોમૈયા INS વિક્રાંત કેસમાં આરોપી છે. તેમણે દેશ અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. જો જનતાએ આવા લોકો સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, તો ભાજપને તેનાથી દુઃખ ન થવું જોઈએ. મહારાષ્ટ્રની જનતા આવા લોકોને માફ નહીં કરે.”

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે “કિરીટ સોમૈયાએ વધારે ન બોલવું જોઈએ. હું વધારે બોલીશ તો એના મોંમાં કાગળ નાખીશ.” કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે “ત્યાંથી સુરક્ષા કૌભાંડ ચાલી રહ્યું છે. હવે હું વધુ કંઈ બોલીશ તો કેન્દ્ર તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપશે. કિરીટ સોમૈયાને મોદી સરકારનું સંરક્ષણ છે.”

mumbai mumbai police sanjay raut mumbai news uddhav thackeray maharashtra shiv sena bharatiya janata party