13 July, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમૃદ્ધિ એક્સપ્રેસવે
મહારાષ્ટ્રને પાણી-પાણી કરી દેનાર આ વખતના મૉન્સૂનના પહેલા જ સ્પેલમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવેની મિસંગ લિન્ક પર ભેખડ ધસી પડી અને પાણીના ફ્લો સાથે માટીનો ખડકલો થઈ ગયો હતો. એને લઈ સરકાર પર વિરોધ પક્ષો તૂટી પડ્યા હતા. હવે એ અનુભવને કામે લગાડી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ મુંબઈ–નાગપુરને જોડતા સમૃદ્ધિ એક્સપ્રેસવે પર સાવચેતીનાં પગલાં લેવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કસારા અને ઇગતપુરીને જોડતી બે ટનલ પર ફોકસ કરવામાં આવ્યું છે. કુલ ૧૩.૦૧ કિલોમીટર લાંબી બન્ને ટનલમાંથી એક તો ૭.૭૮ કિલોમીટર લાંબી અને ૧૭.૬૧ મીટર પહોળી છે. ઑફિસરોનું કહેવું છે કે લોનાવલામાં જે રીતની ટોપોગ્રાફી છે એવી જ ટોપોગ્રાફી કસારા ઘાટમાં છે. એથી સાવચેતીનાં પગલાં લેવા ટનલ પાસે જે મોટી-મોટી ભેખડો હશે એ તોડીને હટાવી લેવાશે જે લુઝ માટી હશે એને પડતી અટકાવવા એના પર ઘાસ ઉગાડવામાં આવશે જેથી એ માટી પકડી રાખે. પાણી વહી જાય એ માટે ડ્રેનેજ સિસ્ટમ વધુ સારી રીતે ડેવલપ કરાશે. વળી જ્યાં શક્ય હશે ત્યાં સેફ્ટી વૉલ ઊભી કરાશે જેથી નાના-મોટા પથરા રોડ પર ન આવે.