નાગપુરમાં બારમીનાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનાં પેપર પ્રાઇવેટ ટ્યુશન-ટીચરે લીક કરી નાખ્યાં

22 February, 2026 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ ચાલી રહેલી હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC)ની પરીક્ષામાં ગુરુવારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનાં પેપર લીક થઈ ગયાં હતાં

પ્રતીકાત્મક તસવીર

હાલ ચાલી રહેલી હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC)ની પરીક્ષામાં ગુરુવારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનાં પેપર લીક થઈ ગયાં હતાં. નાગપુરની સેન્ટ ઉર્સુલા સ્કૂલની સ્ટુડન્ટના મોબાઇલ પર વૉટ્સઍપ પર પેપર આવ્યું હતું. તે વારંવાર વૉશરૂમ જતી હોવાથી સુપરવાઇઝરને શંકા ગઈ હતી એથી મહિલા શિ​િક્ષકાને તેની ઝડતી લેવાનું કહેવાયું હતું અને ભાંડો ફૂટી ગયો હતો. એ સ્ટુડન્ટ પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો જેમાં ક્વેશ્ચન-પેપર અને એના આન્સર પણ હતા. એવું કહેવાય છે કે પરીક્ષાના એક કલાક પહેલાં જ આ પેપર લીક થઈ ગયું હતું. આ કેસમાં સદર પોલીસ-સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે રાજ્ય પ્રધાન પંકજ ભોઈરે કહ્યું હતું કે ‘૧૫ સ્ટુડન્ટ્સનું એક વૉટ્સઍપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું હતું. ટ્યુશન-ટીચરે તેમની પાસેથી પૈસા લીધા હતા અને ક્વેશ્ચન-પેપર જવાબ સાથે વૉટ્સઍપ ગ્રુપ પર મૂકી દીધું હતું. ઉપરોક્ત વૉટ્સઍપ ગ્રુપની બે સ્ટુડન્ટ્સ એ જ સેન્ટર પર એક્ઝામ આપી રહી હતી જ્યારે બીજા સ્ટુડન્ટ્સ અન્ય સેન્ટર પર હતા. તેમની શોધ ચલાવાઈ રહી છે. આ કેસ સંદર્ભે એ ટ્યુશન-ટીચર સામે ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરાઈ છે. બોર્ડની પરીક્ષાઓમાં કૉપી ન થાય એ માટે બોર્ડ દ્વારા ચાંપતાં પગલાં લેવામાં આવ્યાં છે અને એક્ઝામ-સેન્ટર્સ પર ભારે પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.’

mumbai news mumbai nagpur maharashtra news maharashtra Education Crime News