08 September, 2026 02:36 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પૂણેમાંથી હચમચાવનારો કિસ્સો (Pune Crime) સામે આવ્યો છે. અહીં ગુનેગારોને સજા કરતી પોલીસ ઉપર જ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. રેલવે ટ્રેક પાસે કેટલાક અસામાજિક તત્ત્વોએ પોલીસ અધિકારી પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. કહેવાઈ રહ્યું છે કે આ લોકો રેલવે ટ્રેક પર ગાંજાનું સેવન કરી રહ્યા હતા. પોલીસે તેઓને ત્યાંથી દૂર જવાનું કહેતાં જ અસામાજિક તત્ત્વોએ પોલીસ ઉપર જ કોયતો લઈને વાર કર્યો હતો. આ હિંસક કિસ્સાથી પરિસરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રિપોર્ટ્સ (Pune Crime) અનુસાર પોલીસ કોન્સ્ટેબલ અક્ષય બાંબલ પુણે રેલ્વે સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે તેઓને માહિતી મળી હતી કે રેલ્વે ટ્રેક પાસે કેટલાક યુવાઓ ગાંજો ફૂંકી રહ્યા છે. આ રીતે જાહેર સ્થળે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર યુવકોને સબક શીખવવા કોન્સ્ટેબલ બાંબલે ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ આ યુવાઓને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. આ વાત પર યુવકો રોષે ભરાઈને પોલીસ કોન્સ્ટેબલ સાથે જ બાઝવા માંડ્યા હતા. તેમની વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતાં જ ઉશ્કેરાયેલા યુવકોએ કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. આ ટોળકીમાંથી એકે તો ધારદાર કોયતો ઉગામ્યો હતો અને પોલીસના ગળા પાસે વાર કર્યો હતો. આ હુમલાથી પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા અને તેઓને ઇન્જરી થતાં જ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અત્યારે ત્યાં તેઓની ટ્રીટમેન્ટ ચાલી રહી છે
આ રીતે ડ્યુટી કરી રહેલા પોલીસ કર્મચારી પર થયેલા આ હુમલા (Pune Crime)ને પગલે પુણે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો ભયનો પણ માહોલ સર્જાયો છે. જોકે આ કિસ્સા બાદ ફરી એકવાર જાહેર સ્થળો પર નશેડીઓ દ્વારા વધી ગયેલા ત્રાસ અને ગુનાહિત પ્રવૃત્તિઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હાલ તો આ હચમચાવનરી બીના બાદ પુણે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પીડિત પોલીસ અધિકારીએ પોલીસ-ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે આરોપીઓએ તેમની પર હુમલો તો કર્યો જ, સાથે તેમનો મોબાઇલ ફોન અને સોનાની ચેઇન પણ તે લોકો આંચકીને લઈ ગયા છે. ફરિયાદી પોલીસ અધિકારીએ નોંધાવેલ માહિતીને આધારે પોલીસે વિકી પાત્રા, રોકી પાત્રા અને તેમના અન્ય બે અજાણ્યા સાથી સામે કેસ નોંધ્યો છે.
આ સાથે જ તાજતેરમાં બનેલ એક અન્ય ન્યૂઝ (Pune Crime)ની વાત કરીએ તો પિંપરી-ચિંચવડ પોલીસે રસ્તા પર બેફામ વાહન ચલાવવા બદલ અને રીલ્સ શૂટ કરવા બદલ ચાર લોકો સામે કેસ નોંધ્યો છે. આ ઘટના ત્રીજી સપ્ટેમ્બરની રાત્રે સંત તુકારામ ચોકથી મિંડેવાડી રોડ પર વસુલી ગામ પાસે બની હતી. ખરેખર આવા ગુનેગારોને કારણે સામાન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે.