પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી પિતાએ સાડાત્રણ વર્ષના પુત્રની હત્યા કરી નાખી

24 March, 2025 06:57 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુત્ર પોતાનો ન હોવાનું માનીને ઘાતકી રીતે એને મારી નાખીને મૃતદેહ જંગલમાં ફેંકી દીધો, મોટા પુત્રની એક્ઝામ હોવાથી સ્વરૂપા પુણે પતિના ઘરે બન્ને પુત્રો સાથે આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પુણેમાં એન્જિનિયર પિતાએ પત્નીના ચારિય પર શંકાને લઈને પોતાના જ સાડાત્રણ વર્ષના પુત્રનું ગળું કાપીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પુણેના ચંદનનગર વિસ્તારમાં શુક્રવારે બની હતી. પત્ની સ્વરૂપા પર ચારિત્ર્યની શંકાને લીધે મૂળ વિશાખાપટ્ટનમનો ૩૮ વર્ષનો માધવ તિકેતી દારૂને રવાડે ચડી ગયો હતો જેને લીધે તેની જૉબ પણ જતી રહી હતી. આથી પત્ની તેના આઠ વર્ષના અને સાડાત્રણ વર્ષના પુત્ર સાથે પિયર જતી રહી હતી. જોકે મોટા પુત્રની એક્ઝામ હોવાથી સ્વરૂપા પુણે પતિના ઘરે બન્ને પુત્રો સાથે આવી હતી. નાનો પુત્ર પોતાનો નહીં પણ બીજાનો હોવાનો આરોપ કરતાં ફરી પત‌િ-પત્ની વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. 

પોલીસના જણાવ્યા મુજબ પત્ની સાથે મોટા અવાજે ઝઘડો થતાં સૂઈ રહેલો સાડાત્રણ વર્ષનો પુત્ર હિંમત જાગી ગયો હતો. ગુસ્સામાં માધવ ઘરની બહાર જવા લાગ્યો હતો ત્યારે પુત્ર હિંમતે તેનો પગ પકડી લીધો હતો. આથી માધવ પુત્રને લઈને સ્કૂટર પર બહાર નીકળી ગયો હતો. ઘરની બહાર ગયા બાદ માધવે પહેલાં વાઇન શૉપમાંથી દારૂન‌ી બૉટલ ખરીદી હતી અને બાદમાં એક દુકાનમાંથી ચાકુ લીધું હતું. ચંદનનગર જંગલ પાસે જઈને માધવે પહેલાં ચિક્કાર દારૂ પીધો અને બાદમાં પુત્ર હિંમતનું ગળું ચાકુથી કાપીને હત્યા કરી હતી. પુત્રને મારી નાખ્યા બાદ માધવે એના મૃતદેહને જંગલમાં ફેંકી દીધો હતો અને પોતે એક લૉજમાં જઈને સૂઈ ગયો હતો. 

પતિ અને પુત્ર ઘરેથી ગયા બાદ પાછા ન ફરતાં સ્વરૂપાએ પતિ માધવના મોબાઇલ પર અનેક ફોન કર્યા બાદ કોઈ જવાબ ન મળતાં ચંદનનગર પોલીસ-સ્ટેશનમાં જઈને પતિ અને પુત્રની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં સાડાત્રણ વર્ષનો હિંમત તેના પિતા માધવ પાસે જ હોવાનું જણાયું હતું. બાદમાં પોલીસે માધવના મોબાઇલ નંબરનું લોકેશન તપાસતાં તે લૉજમાં હોવાનું જણાતાં પોલીસ ત્યાં પહોંચી હતી. માધવ લૉજમાં નશાની હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ પુત્ર હિંમત તેની સાથે નહોતો. પહેલાં તો માધવે પુત્ર વિશે કંઈ નહોતું કહ્યું, પણ પોલીસે લાલ આંખ કરતાં તેણે પુત્રને મારી નાખ્યો હોવાનું અને મૃતદેહ ચંદનનગરના જંગલમાં ફેંક્યો હોવાનું કબૂલ્યું હતું. પુત્ર પોતાનો નહીં પણ બીજાનો હોવાની શંકા માધવે ફરી વ્યક્ત કરી હતી. પોલીસે માધવની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી હતી અને હિંમતનો મૃતદેહ જંગલમાંથી હસ્તગત કર્યો હતો. 

mumbai news mumbai pune news pune maharashtra news maharashtra