Pune Horror: ચાર વર્ષની બાળકીનો બળાત્કાર, પથ્થરથી કચડીને હત્યા, પછી મૃતદેહને…

02 May, 2026 02:25 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Pune Horror: પુણેના ભોર તાલુકામાં ભયાનક ઘટના બની છે, ૬૫ વર્ષીય વ્યક્તિએ ૪ વર્ષની બાળકીનો કર્યો બળાત્કાર અને પછી હત્યા; સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે; મામલે વધુ તપાસ ચાલુ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સમગ્ર રાજ્યને હચમચાવી દે તેવી એક અત્યંત વિચલિત કરનારી ઘટના તાજેતરમાં પુણે (Pune)માં બની છે. પુણેમાં એક ચાર વર્ષની બાળકીનો રેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. ૬૫ વર્ષીય આરોપીની ધરપકડ (Pune Horror) કરવામાં આવી છે.

પુણેના ભોર તાલુકામાં બાળકીનો બળાત્કાર અને હત્યા

પુણેના ભોર (Bhor) તાલુકાના નસરાપુર (Nasrapur) ગામમાં એક ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ગુનાના આરોપી તરીકે તે જ ગામના રહેવાસી એક ૬૫ વર્ષીય વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બાળકી રજાઓ ગાળવા માટે તેની નાનીના ઘરે આવી હતી. ઘટનાના દિવસે, આરોપીએ બાળકીને લલચાવીને ઘર પાસે આવેલા પશુઓના તબેલામાં લઈ ગયો હોવાનું કહેવાય છે. ત્યાં તેણે બાળકી પર જાતીય હુમલો કર્યો હોવાની શંકા છે અને ત્યારબાદ પોતાની ઓળખ છુપાવવા માટે પથ્થરથી કચડીને તેની હત્યા કરી નાખી હતી.

ગાયના તબેલામાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

આરોપીએ તેના આ ગુનાને છુપાવવાના પ્રયાસમાં, ચાર વર્ષની બાળકીના મૃતદેહને તબેલાની અંદર ગાયના છાણના ઢગલા નીચે દાટી દીધો હોવાનું સામે આવ્યું છે.

પ્રથમિક માહિતી અનુસાર, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બપોરે બાળકી ગુમ થઈ હતી અને તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન જ તબેલામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ

વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને પોતાની સાથે લઈ જતો દેખાયો હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તેની ઓળખ કરી તેની અટકાયત કરી હતી.

પોલીસે બળાત્કાર અને હત્યા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોમાં ભારે રોષ

આ ભયાનક ગુનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જ્યારે બાળકીના મૃતદેહને સ્થાનિક પોલીસ સ્ટેશન પાસે લાવવામાં આવ્યો ત્યારે અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. શોકમાં ડૂબેલા પરિવારના સભ્યો ભાંગી પડ્યા હતા અને ન્યાયની માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

દેખાવકારોએ રસ્તા પર ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આરોપી માટે કડકમાં કડક સજાની માંગણી કરી હતી.

શનિવારે, વિરોધ પ્રદર્શનના ભાગરૂપે નસરાપુરમાં સંપૂર્ણ બંધ જેવી જ સ્થિતિ જોવા મળી હતી. સ્થાનિક વેપારી મંડળો અને ગ્રામજનોના સમર્થનથી ચાલી રહેલા આ બંધમાં દુકાનો અને વ્યવસાયો બંધ રહ્યા હતા.

પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને ઝડપી ન્યાયની માંગ સાથે સવારના સમયે ભૈરવનાથ મંદિરથી એક વિશાળ `નિષેધ મોરચો` કાઢવામાં આવ્યો હતો, જેમાં સેંકડો રહેવાસીઓ જોડાયા હતા.

pune pune news Crime News sexual crime mumbai crime news mumbai mumbai news maharashtra maharashtra news Protection of Children from Sexual Offences Act POCSO murder case