પુણે મર્ડરકેસમાં કેતનને ન્યાય અપાવશે સિનિયર ઍડ્વોકેટ ઉજ્જવલ નિકમ

27 June, 2026 09:11 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાને આ કેસ માત્ર મર્ડરનો નહીં પણ સમાજનું પ્રતિબિંબ હોવાનું કહીને ફાસ્ટ ટ્રૅક પર ચલાવવાની ખાતરી આપી

કેતનના પપ્પા વિશાલ અગ્રવાલ પુણેમાં દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને માગણીઓની યાદી તેમને સોંપી હતી

પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. બન્ને પરિવારના સભ્યોનાં નિવેદનો અને પોલીસની કાર્યવાહીને પગલે મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતનનાં કાવતરાં સામે આવી રહ્યાં છે ત્યારે આ કેસ વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. દીકરાને યોગ્ય ન્યાય મળે એવી રજૂઆત સાથે કેતનના પપ્પા વિશાલ અગ્રવાલ ગઈ કાલે પુણેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે તેમના પરિવારને આશ્વાસન આપતાં કહ્યું હતું કે દોષીને કડક સજા થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને એ માટે કોઈ કસર નહીં છોડાય. પરિવારે કરેલી માગણીને ધ્યાનમાં લઈને આ પ્રકરણ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવાનો અને કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે આતંકવાદી કસબને ફાંસી અપાવનાર ઉજ્જવલ નિકમની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. ઉજ્જવલ નિકમે પણ એ માટે તૈયારી દર્શાવી છે.

આ કેસ બાબતે પ્રતિક્રિયા આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ ઘટના ખૂબ જ ચિંતાકારક છે. આજના સમયમાં બાળકો વેલ-એજ્યુકેટેડ અને સંસ્કારી ઘરના હોવા છતાં આવું પગલું ભરે એ સ્વીકારવું અઘરું છે. આ કેસને માત્ર એક મર્ડરનો કેસ ન ગણતાં આજના સમાજના પ્રતિબિંબ તરીકે જોવો જોઈએ.’

સિયાના ભાઈની પૂછપરછ માટે અટકાયત થઈ

પોલીસે મુખ્ય આરોપી સિયા ગોયલના મોટા ભાઈ સાહિલ ગોયલની અટકાયત કરી છે. લોહગઢ કિલ્લામાં કેતનના મૃત્યુની આસપાસના સંજોગોનો ખુલાસો કરતાં એમાં તેની કોઈ ભૂમિકા છે કે નહીં એની તપાસ પોલીસ કરી રહી છે. સાહિલ અને ચેતન એકબીજાને ઓળખતા હતા અને એકબીજાના સંપર્કમાં હતા એ શંકાના પગલે પોલીસે સાહિલને સમન્સ મોકલ્યો હતો.

પાર્ટી અને ડ્રિન્કની શોખીન સિયાને જેલમાં પણ બિઅર જોઈએ છે

બન્ને આરોપીઓના વર્તનથી પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિયા કસ્ટડીમાં હતી ત્યારે ઘટના અંગે કોઈ પસ્તાવો કે ચિંતાના કોઈ ભાવ નથી. પૂછપરછ દરમ્યાન તેનું વર્તન સામાન્ય હોવાનું જણાવાયું હતું. એટલું જ નહીં, સૂત્રોના જણાવ્યા મુજબ તેણે પોલીસને બિઅર લાવી આપવાની માગણી પણ કરી હતી. પૂછપરછ દરમ્યાન એવું પણ સામે આવ્યું છે કે સિયા અને ચેતન બન્નેને નશાની આદત હતી. સિયાને પાર્ટી અને ડ્રિન્કનો શોખ હતો, પણ કેતનનાં મમ્મી આ વાતથી ખુશ નહોતાં. એમ છતાં આ બધા શોખ લગ્ન પછી પૂરા કરવાનું પણ કહ્યું હતું.

murder case pune pune news lonavla lonavala maharashtra news maharashtra mumbai mumbai news mumbai police