12 July, 2025 01:43 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણે અને પિંપરી-ચિંચવડમાં શ્વાનના ત્રાસ સંદર્ભે શું પગલાં લેવામાં આવ્યાં છે એવો સવાલ વિધાનસભ્ય અમિત ગોરખેએ ગુરુવારે વિધાન પરિષદમાં ઉપસ્થિત કર્યો હતો. તેમના સવાલનો જવાબ આપતાં ગઈ કાલે ઉદય સામંતે કહ્યું હતું કે ‘છેલ્લાં ૩ વર્ષમાં પુણેમાં શ્વાનના કરડવાના ૬૫,૦૦૦ બનાવ નોંધાયા હતા. એમાં ૨૦૨૨માં ૧૬,૫૬૯, ૨૦૨૩માં ૨૨,૯૪૫ અને ૨૦૨૪માં ૨૫,૮૯૯ બનાવ બન્યા હતા. એ સામે છેલ્લાં બે વર્ષમાં શ્વાનની વસ્તી પર નિયંત્રણ લાદવા એક લાખ કરતાં વધુ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. ૫૭,૮૫૨ શ્વાનનું ૨૦૨૩-’૨૪માં અને ૫૬,૫૧૧ શ્વાનનું ૨૦૨૪-’૨૫માં ખસીકરણ કરવામાં આવ્યું હતું.’
ઉદય સામંતે કહ્યું હતું કે રખડતા શ્વાનની વધતી જતી વસ્તી પર કાબૂ મેળવવા જે પગલાં લેવામાં આવે છે એ કેન્દ્ર સરકારના કાયદા, ગાઇડલાઇન્સ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.
વિધાન પરિષદના સભ્ય ઇદ્રીસ નાઈકવાડીએ કહ્યું હતું કે સરકાર દ્વારા શ્વાનોના ખસીકરણની ડ્રાઇવ ચલાવવામાં આવે છે, પણ એ પછી એ ખસીકરણ કરાયેલા શ્વાનને ટૅગ કરવા જોઈએ જેથી એ પછીની ડ્રાઇવ વખતે ઓળખી શકાય.