આજથી શરૂ થશે ગોખલે બ્રિજના ડિમોલિશનનું કામ

05 December, 2022 09:09 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

વેસ્ટર્ન રેલવેને આ કામ ત્રણેક મહિનામાં પૂરું થઈ જવાનો અંદાજ

અંધેરીનો ગોખલે બ્રિજ સપ્ટેમ્બરમાં હાથ ધરાયેલી તપાસમાં અસલામત જાહેર કરાયો હતો. સાતમી નવેમ્બરે બ્રિજ બંધ કરી દેવાયો હતો (તસવીર : નિમેશ દવે)

અંધેરીના નવા ગોખલે બ્રિજનું બાંધકામ વીક-એન્ડમાં ઝડપથી આગળ ધપાવવામાં આવ્યું હતું. ગઈ કાલે વેસ્ટર્ન રેલવેએ જૂના બ્રિજના ડિમોલિશન માટેનું ટેન્ડર ૨૪ કલાકમાં મંજૂર કર્યું હતું અને કામ આજથી શરૂ થશે.

આ ગતિવિધિની પુષ્ટિ કરતાં વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે રવિવારે જણાવ્યું હતું કે ‘બ્રિજને ધ્વસ્ત કરવા માટેની પ્રારંભિક કામગીરી સોમવારથી શરૂ થશે. બ્લૉકનું પ્લાનિંગ ૨૦ દિવસમાં હાથ ધરાશે અને રેલવેલાઇન પરની સ્ટ્રક્ચરલ ફ્રેમ્સ જાન્યુઆરી સુધીમાં હટાવી દેવાશે.’

તેમણે ઉમેર્યું હતું કે ‘ડિમોલિશન કામ માટેનું ૧૧.૪૬ કરોડ રૂપિયાનું સ્પેશ્યલ, લિમિટેડ ટેન્ડર બીજી ડિસેમ્બરે ખૂલ્યું હતું અને ત્રીજી ડિસેમ્બરે નક્કી થયું હતું. ડિમોલિશનનું કામ આવતા ત્રણ મહિનામાં પૂરું કરવાની યોજના છે.’

સ્થાનિક વિધાનસભ્ય અમિત સાટમે જણાવ્યું હતું કે ‘અગાઉ મુંબઈ સુધરાઈએ બ્રિજના પુનઃ નિર્માણ માટે ટેન્ડર ખોલ્યું હતું. હવે ડિમોલિશન અને નિર્માણ બંને માટેનાં ટેન્ડર્સ મગાવાયાં છે.’
મુંબઈ કૉર્પોરેશને બુધવારે બ્રિજના રેલવે પોર્શનના બાંધકામ માટેનું ૭૪.૫૦ કરોડ રૂપિયાનું ટેન્ડર એ. બી. ઇન્ફ્રાબિલ્ડ લિમિટેડને ફાળવ્યું હતું. રેલવેનો આ ભાગ ૯૦ મીટર લાંબો અને ૧૩.૫ મીટર પહોળો છે. એ. બી. ઇન્ફ્રાબિલ્ડ કર્નાક બંદર અને વિદ્યાવિહાર ખાતે રોડ ઓવરબ્રિજ પણ બનાવી રહી છે.

શહેર સુધરાઈએ ગોખલે બ્રિજનું કામ બે તબક્કામાં પૂરું કરવાનું નક્કી કર્યું છે. પ્રથમ તબક્કામાં મે ૨૦૨૩ સુધીમાં બે લેન તૈયાર કરવાનું આયોજન છે. એ પછી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં બીજો તબક્કો પૂરો કરવાના હેતુ સાથે બીજી બે લેનનું કામ ઉપાડવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રેલવેલાઇન પરનો ગોખલે બ્રિજનો ભાગ પણ બે તબક્કામાં બાંધવામાં આવશે. ગોખલે બ્રિજનો ફુટપાથનો ભાગ ચાલતી ટ્રેન પર પડતાં ૨૦૧૮માં બ્રિજને આંશિક ધોરણે બંધ કરી દેવાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ૨૦૧૯માં રિપેરિંગ અને ઉમેરારૂપ સપોર્ટ પછી બ્રિજને ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

દર છ મહિને બ્રિજની ચકાસણી કરવા માટે મુંબઈ કૉર્પોરેશન દ્વારા રોકવામાં આવેલી કન્સલ્ટન્સી ફર્મે સપ્ટેમ્બર ૨૦૨૨માં કરેલી તપાસમાં સપોર્ટમાં ખામી જણાતાં બ્રિજને જોખમી રીતે અસલામત ગણાવ્યો હતો અને એને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાની માગણી કરી હતી.

mumbai mumbai news andheri western railway rajendra aklekar