કોસ્ટલ રોડ પર પહેલો જીવલેણ અકસ્માત

21 September, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હીરાના વેપારીની BMWએ રોડ ક્રૉસ કરી રહેલા વર્કરને ઉડાડ્યો

પ્રતીકાત્મક તસવીર

સોમવારે કોસ્ટલ રોડ પર પહેલો અકસ્માત નોંધાયો હતો. બાંદરાથી સાઉથ મુંબઈ જઈ રહેલા હીરાના વેપારી રાહિલ મહેતાએ તેની BMWથી કોસ્ટલ રોડ પર કામ કરી રહેલા વર્કરને અડફેટે લેતાં વર્કરનું મોત થયું હતું. આ અકસ્માત વિશે માહિતી આપતાં વરલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર કાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાહિલ તેની કારમાં સોમવારે સાંજે સાઉથ મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે વરલી ડેરીની સામે સાંજના ૭ વાગ્યે કોસ્ટલ રોડ પર આ અકસ્માત થયો હતો. કોસ્ટલ રોડનું કેટલુંક કામ હજી પણ ચાલી રહ્યું છે એટલે સાઇટ પર કામગારો કામ કરે છે. એમાંનો કશ્મીર સિંહ કંઈક કામ હોવાથી રોડ ક્રૉસ કરવા ગયો હતો. ત્યારે રાહિલની કાર પૂરઝડપે ત્યાંથી પસાર થઈ રહી હતી અને કશ્મીર સિંહ એની અડફેટે આવી જવાથી ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત થતાં રાહિલે તેની કાર રોકી દીધી હતી. તેણે તરત પોલીસને પણ ઇન્ફૉર્મ કર્યું હતું અને સાઇટ પર કામ કરી રહેલા લોકોની મદદ લઈને કશ્મીર સિંહને ભાટિયા હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જોકે કશ્મીર સિંહનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તેણે અમને સરેન્ડર કર્યું હતું. અમે તેની સામે ગુનો નોંધીને તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા. અમે કરેલી પ્રાથમિક તપાસમાં રાહિલ એ વખતે આલ્કોહૉલની અસર હેઠળ નહોતો. બીજું, કોસ્ટલ રોડ પર પગે ચાલીને જવાની મંજૂરી જ નથી અને એ વખતે તે કામગાર રોડ ક્રૉસ કરી રહ્યો હતો એટલે અકસ્માત થયો હતો.’

mumbai news mumbai Mumbai Coastal Road road accident mumbai police gujaratis of mumbai