07 July, 2025 11:31 AM IST | Raigad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાંથી ચિંતાજનક સમાચાર (Raigad News) મળી રહ્યા છે. અહીં રેવદંડા કિનારા પાસે અજાણી બોટ આવી ચડી છે. સંદિગ્ધ બોટ દેખાતા સુરક્ષા વધારી દેવાઈ છે. રિપોર્ટ અનુસાર રેવદંડાના કિનારાથી આશરે બેએક કિલોમીટરના અંતરે આ બોટ જોવા મળી છે. પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ બોટ બીજા દેશમાંથી અહીં આવી ચડી છે. તે રાયગડના દરિયાકાંઠે જઇ રહી હોવાની પણ શંકા છે.
આ બોટ દેખાયાની માહિતી મળતા જ રાયગડ (Raigad News) પોલીસ, બૉમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ની ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) નૌકાદળ અને તટરક્ષક દળની ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી છે. રાયગડના પોલીસ અધિક્ષક આંચલ દલાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બોટ ક્યાંથી આવી છે અને તે કોની છે વગેરે તપાસ કરવા માટે કિનારે પહોંચી ગયા હતા. જોકે, ભારે વરસાદ અને પવનને કારણે આ બોટ સુધી પહોંચવામાં પણ અડચણ આવી હતી. અહેવાલોમાં જણાવાયું છે કે આંચલ દલાલે પોતે બાર્જ દ્વારા બોટ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ અધવચ્ચેથી જ પાછા કિનારે આવી ગયા હતા. અત્યારે આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સમગ્ર જિલ્લામાં સુરક્ષા અને સતર્કતા પણ વધારી દેવામાં આવી છે.
આમ અચાનક અજાણી બોટ જોવા મળતાં જ સત્તાવાળાઓએ સમગ્ર વિસ્તાર (Raigad News)માં પોલીસની મોટી ટુકડીને તૈનાત કરી નાખી હતી. જેથી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. હાલમાં સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાની સુરક્ષા સુદ્ધાં વધારી દેવામાં આવી છે. તમને એ પણ જણાવી દઈએ કે પોલીસ, અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આ બોટ આખરે આવી છે ક્યાંથી, તે કયા માર્ગે આવી છે અને ક્યાં જઇ રહી હતી અને તેની પાછળ કોઈ કાવતરું સામેલ છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.
મુંબઈનો 26/11નો આતંકવાદી હુમલો આપણને યાદ છે, આ પ્રકારની અજાણી બોટ મળવી એ આવા હુમલાઓની ઘટનાઓની પણ અવશ્ય યાદ અપાવી નાખે છે. માટે જ અત્યારે આ ઘટનાએ ફરી એકવાર દરિયાકાંઠાની ઉચ્ચ તકેદારીની જરૂરિયાતને વધારી દીધી હતી.
Raigad News: પ્રાપ્ત માહિતી અનુસાર તટરક્ષક દળ અને રાયગડ પોલીસ અલીબાગ રેવદંડાના કોરલાઈ કિલ્લા નજીક છેલ્લે જોવા મળેલી આ અજાણી બોટની શોધ કરી રહી છે. આજે પણ વહેલી સવારથી જ ત્યાં મોટા પાયે આ અજાણી બોટની શોધખોળ ચાલી રહી છે. જોકે, હજી સુધી આ બોટ ક્યાં ગઈ છે તેનો કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે સતત શોધ પ્રયાસો માટે હેલિકોપ્ટર તૈનાત કરવાની યોજના ચાલી રહી છે.