✕

પુણે અને પિંપરી-ચિંચવડમાં પડ્યો વરસાદ, ઉદ્ઘાટન પહેલાં જ મેટ્રો સ્ટેશન પાણી-પાણી

02 November, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આવતી કાલે ઉદ્ઘાટન થવાનું બાકી છે

પુણેના માન મેટ્રો સ્ટેશનની છત પરથી ટપકતું વરસાદનું પાણી.

હવામાન ખાતાની આગાહી મુજબ ગઈ કાલે પુણે તથા પિંપરી-ચિંચવડમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને ખાસ કરીને પિંપરી-ચિંચવડમાં વરસાદનું જોર વધુ દેખાયું હતું. આ ઉપરાંત આગાહી મુજબ મરાઠવાડા તથા વિદર્ભમાં પણ કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. ગઈ કાલે પણ અહીં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ હતો. જોકે આ બધામાં પુણેના માન મેટ્રો સ્ટેશનમાં પાણી ટપકવાની ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આવતી કાલે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે ઉદ્ઘાટન પહેલાં જ મેટ્રો સ્ટેશનની આવી દશા જોઈને લોકો પણ સ્તબ્ધ છે.

પુણેના માન મેટ્રો સ્ટેશનનું હજી સુધી ઉદ્ઘાટન નથી થયું અને મુશળધાર વરસાદ નહીં, ફક્ત કમોસમી વરસાદના ઝાપટાએ એને પાણી-પાણી કરી દીધું હોવાને કારણે લોકોમાં નારાજગી જોવા મળી છે. માન મેટ્રો સ્ટેશનની છત પરથી પાણી ટપકી રહ્યું હોવાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. 

આ પ્રકારની પરિસ્થિતિ થોડા જ વરસાદમાં છે ત્યારે જોરદાર વરસાદ પડે તો શું થશે એવો સવાલ પૂછીને લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશનનું બાંધકામ હલકા દરજ્જાનું હોવાનો આરોપ પણ લોકો કરી રહ્યા છે. 

બીજી બાજુ વરસાદે પુણે અને પિંપરી-ચિંચવડ ઉપરાંત રત્નાગિરિમાં પણ દેખા દીધી હતી. રત્નાગિરિના લાંજા તાલુકાનાં અનેક ગામોમાં તથા લાંજા સિટીમાં પણ સારોએવો વરસાદ પડ્યો હતો જેને કારણે આ તાલુકા અને શહેરના ગરમીથી હેરાન થયેલા લોકોને થોડી રાહત મળી હતી. 

mumbai news mumbai pimpri maharashtra government maharashtra maharashtra news pune news pune