રાજ ઠાકરે નીકળ્યા મુંબઈ-ગોવા હાઇવેના કામનું નિરીક્ષણ કરવા

10 August, 2026 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીતિન ગડકરીને ફોન કરીને રાજકીય હસ્તક્ષેપના કારણે કામ રખડ્યું હોવાનો કર્યો આરોપ

મુંબઈ-ગોવા હાઇવેની હાલતનું નિરીક્ષણ કરતા રાજ ઠાકરે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના  (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે રવિવારે મુંબઈ-ગોવા હાઇવેનું નિરીક્ષણ કરવા પોતે કારમાં બેસીને નીકળ્યા હતા અને છેલ્લાં ૧૭ વર્ષથી માણગાવ બાયપાસ રોડ પણ ન બન્યો હોવા બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. મુંબઈ-ગોવા હાઇવેના રખડી પડેલા કામના કારણે કોકણવાસીઓને હાલાકી ભોગવવી પડતી હોવાનું તેમણે કહ્યું હતું. રસ્તાઓની હાલતનું નિરીક્ષણ કર્યા બાદ રાજ ઠાકરેએ પત્રકાર પરિષદ પણ સંબોધી હતી અને અેમાં રાજકીય હસ્તક્ષેપના કારણે રસ્તાનાં વિકાસકામો અટકી પડ્યાં હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કોકણમાં રસ્તાઓની હાલત જોઈને ખૂબ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોકણના રસ્તાઓ જોઈને ‘રસ્તે પડવું’ શું કહેવાય એવો ટોણો પણ માર્યો હતો. 

રાજ ઠાકરેએ આ બાબતે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીને પણ ફોન કર્યો હતો અને વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. નીતિન ગડકરીની સાથે શું વાતચીત થઈ એ બાબતે પણ રાજ ઠાકરેએ ખુલાસો કર્યો હતો. રાજ ઠાકરેએ નીતિન ગડકરી સાથે વાતચીત દરમ્યાન તેમને વળતા પ્રશ્નો પણ પૂછ્યા હતા. 

કૉન્ટ્રૅક્ટર કેમ કંટાળીને કામ મૂકીને ચાલ્યા ગયા?
રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમણે નીતિન ગડકરીની સાથે મુંબઈ-ગોવા હાઇવેનું કામ કેમ રખડી પડ્યું છે એ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. નીતિન ગડકરીએ એના જવાબમાં કહ્યું હતું કે કૉન્ટ્રૅક્ટરો કંટાળીને કામ મૂકી જાય છે. જેના જવાબમાં રાજ ઠાકરેએ પ્રશ્ન પૂછ્યો હતો કે ‘એટલો બધો સ્થાનિક રાજકીય હસ્તક્ષેપ કેમ છે કે કૉન્ટ્રૅક્ટરો કામ મૂકીને ચાલ્યા જાય છે. કામ થાય એના કરતાં આપણને કેટલા ટકા પૈસા મળશે એની ચિંતા હોવાથી કામ નથી થતું.’

મહારાષ્ટ્રમાં ફક્ત જમીન વેચવાનો જ ધંધો ચાલે છે 
રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ફક્ત જમીન વેચવાનો જ ધંધો ચાલે છે. ૧૫ વર્ષ થઈ ગયાં મુંબઈ-ગોવા હાઇવેના વિકાસની વાતો માત્ર થાય છે. રાજ્ય કઈ રીતે વધુ સારું બની શકે અેનો કોઈ વિચાર જ નથી કરતું. ૧૫ વર્ષથી મુંબઈ-ગોવા હાઇવેના વિકાસની વાતો સાંભળું છું હું. તમે સ્થાનિક લોકોને કેમ અંધારામાં રાખો છો? ૧૫ વર્ષથી એ જ ખાડા, એ જ ટ્રાફિક જૅમ.’

ઠાકરેની સરકાર વખતે કેવો હતો હાઇવે એ જરા પૂછો : BJPનો વળતો પ્રહાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આશિષ શેલારે રાજ ઠાકરેએ મુંબઈ-ગોવા હાઇવે બાબતે સરકારની ટીકા કરી અેનો વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘શું રાજ ઠાકરે પ્રામાણિકપણે મુંબઈ-ગોવા હાઇવે બાબતે લડી રહ્યા છે? તેમને કહેજો કે જરા પૂછી જુએ કે ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી ત્યારે મુંબઈ-ગોવા હાઇવેની હાલત શું હતી. તમારી સરકાર હતી ત્યારે તમે શું કર્યું? કૉન્ટ્રૅક્ટરો સાથે વાતચીત-ચર્ચા ક્યારેય કરી છે કે?’

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena maharashtra political crisis nitin gadkari maharashtra government maharashtra news maharashtra