12 December, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં ૧૯૯૩ના સિરિયલ બ્લાસ્ટકેસની તપાસ કરનાર બાહોશ ઑફિસર રાકેશ મારિયા
મુંબઈમાં ૧૯૯૩ના સિરિયલ બ્લાસ્ટકેસની તપાસ કરનાર બાહોશ ઑફિસર રાકેશ મારિયા હવે નિવૃત્ત છે અને તેમણે તેમની કારકિર્દીનાં સંસ્મરણો એક પુસ્તક તરીકે પ્રકાશિત કર્યાં છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ આપતાં તેમણે જાણીતો ઍક્ટર સંજય દત્ત એ કેસ સાથે કઈ રીતે સંકળાયેલો હતો, તેની કઈ રીતે ધરપકડ કરવામાં આવી તથા એ વખતે શું બન્યું હતું એની વિગતો જણાવી હતી.
રાકેશ મારિયાએ કહ્યું હતું કે ‘એ કેસની તપાસમાં હનીફ કડાવાલા અને સમીર હિંગોરાના નામ બહાર આવતાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેમણે પહેલાં તો મભમમાં કહ્યું કે આ કેસમાં મોટાં માથાં સંકળાયેલાં છે. નામ પૂછતાં તેમણે ‘સંજુબાબા’ કહ્યું હતું. સંજુબાબાનું નામ સાંભળીને હું પણ ચોંકી ઊઠ્યો હતો. કેસના મુખ્ય આરોપીઓ દ્વારા કારમાં વેપન્સ લાવવામાં આવ્યાં હતાં. એ વેપન્સ બીજે ખસેડવાનાં હતાં. એથી તેમને એવી શાંત જગ્યા જોઈતી હતી જ્યાં એ કામ સેફલી અને કોઈને ખબર ન પડે એ રીતે થઈ શકે. એથી એ વખતે સંજય દત્તનું નામ સજેસ્ટ કરાયું હતું. સંજય દત્તને ફોન ગયો હતો અને તેણે એ માટે કહ્યું હતું કે કાર બંગલામાં પાર્ક કરી દો અને અનલોડિંગ પણ કરી દો.’
રાકેશ મારિયાના કહેવા મુજબ ત્યાર બાદ સંજય દત્તે એમાંનાં કેટલાંક હથિયાર પોતાની પાસે પણ રાખ્યાં હતાં અને પછી તેમને પાછાં પણ આપી દીધાં હતાં. સંજય દત્ત ફિલ્મના શૂટિંગ માટે મૉરિશ્યસ ગયો હતો. તે પાછો આવ્યો ત્યારે ઍરપોર્ટ પરથી જ પોલીસ-ઑફિસરોએ તેને તાબામાં લીધો હતો.
રાકેશ મારિયાએ સંજય દત્તની પૂછપરછની ઘડીઓ યાદ કરતાં કહ્યું હતું કે ‘એ ઇન્ટરોગેશન રૂમમાં બે કૉન્સ્ટેબલ હતા. તેને સિગારેટ પણ પીવા દીધી નહોતી અને ફોન પણ કરવા નહોતો દીધો. સવારના આઠ વાગ્યા હતા અને હું એ રૂમમાં ગયો. મેં તેને પૂછ્યું કે તું કહેશે કે શું થયું હતું કે પછી હું તને કહું ? તેણે વાત અવગણીને કહ્યું કે તે કશું જાણતો નથી. એથી હું તેની પાસે ગયો અને એક સણસણતો તમાચો ચોડી દીધો. એ વખતે તે લાંબા વાળ રાખતો હતો. એ વાળ પકડી, ખેંચીને તેને ઊભો કર્યો એ પછી તેણે કબૂલાત કરતાં કહ્યું કે હું તમારી સાથે પ્રાઇવેટમાં વાત કરવા માગું છું, મારાથી ભૂલ થઈ ગઈ છે પણ મારા પિતાને ન કહેતા. મેં તેને કહ્યું કે તેં ભૂલ કરી છે તો હવે મરદ બનીને ફેસ કર.’
સુનીલ દત્ત એ સાંજે રાજેન્દ્ર કુમાર, મહેશ ભટ્ટ, યશ જોહર અને પૉલિટિશ્યન બલદેવ ખોસાને લઈને અમારી પાસે આવ્યા હતા. તેમનું બધાનું કહેવું હતું કે સંજય દત્ત આવું ન કરી શકે. એ પછી સંજય દત્તને જ્યારે રૂમમાં લાવવામાં આવ્યો ત્યારે શું બન્યું હતું એ કહેતાં રાકેશ મારિયાએ કહ્યું હતું કે ‘સંજય દત્તને એ રૂમમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે તેના પિતાને જોયા એટલે નાના બાળકની જેમ તેમના પગમાં ફસડાઈ પડ્યો અને કહ્યું કે પાપા, ગલતી હો ગયી મેરે સે. એ સાંભળીને સુનીલ દત્તનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો હતો. હું ઇચ્છીશ કે કોઈ પણ પિતા સાથે આવું ન બને.’