25 October, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૅપિડો ડ્રાઇવર ઝડપાયો
મહારાષ્ટ્રની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા રૅપિડો ડ્રાઇવરની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સાંઠગાંઠ બદલ ધરપકડ કરવામાં આવી છે. ૩૩ વર્ષના મોહમ્મદ હસન અબુ સરમદ અખ્તરની ATSના કાલાચૌકી યુનિટ દ્વારા માહિમ મેટ્રો સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. મોહમ્મદ અખ્તરની સોશ્યલ મીડિયાની ઍક્ટિવિટી પર બાજનજર રાખ્યા બાદ અને તે શું પોસ્ટ કરી રહ્યો છે એને ટ્રૅક કર્યા પછી ATSના કાલાચૌકી યુનિટે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.
રૅપિડો ડ્રાઇવર તરીકે કામ કરતા તથા અત્તર અને પરફ્યુમ વેચવાનો ધંધો કરતા મોહમ્મદ અખ્તર વિરુદ્ધ બે સમુદાયો વચ્ચે ધર્મ અને ભાષાના આધારે શત્રુતા ઊભી કરવાના પ્રયાસ બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 1196(1) હેઠળ ગુનો નોંધીને તેને તાબામાં લેવામાં આવ્યો હતો. મોહમ્મદ અખ્તરના તાર પાકિસ્તાન સુધી જોડાયેલા હોવાની પણ ATSને શંકા છે અને તે કોના ઇશારે કામ કરી રહ્યો હતો એ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ATSના અધિકારીઓના જણાવ્યા મુજબ મોહમ્મદ અખ્તર સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર વાંધાજનક અને ઉશ્કેરણીજનક સાહિત્ય શૅર કરતો હતો, જેનાથી સમાજમાં દુશ્મનાવટ ઊભી થઈ શકે. JeMના ઑપરેટિવ તરીકે કામ કરતો હોવાની પ્રબળ શંકાએ તેની ધરપકડ કરવામાં આવી હતી.
રૅપિડો બૅકગ્રાઉન્ડ ચેક કરે છે કે નહીં?
હાલમાં જ ટાઇગર શ્રોફ પર હુમલો થયો ત્યારે ગોળી ચલાવનારા બે હુમલાખોરોને સાથ આપનારો હૃતિક ઉર્ફે રોશન રૅપિડોમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. હવે ભારતવિરોધી અને આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો મોહમ્મદ અખ્તર પણ રૅપિડોનો ડ્રાઇવર હોવાનું બહાર આવતાં રૅપિડો પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ડિલિવરી-બોય, વેબ તથા ઍપ-આધારિત ટ્રાન્સપોર્ટ સર્વિસના ડ્રાઇવરો સમાજ તથા દેશ માટે ખતરો હોઈ શકે અથવા ક્રિમિનલ હોઈ શકે એ સ્પષ્ટ થયું છે. એટલે કોના પર ભરોસો કરવો એવો ભય ઊભો થયો છે.
કુછ કરના થા ઇન્દિરા કી તરહ PM મોદી કો ભાઈલોગ
ભારતવિરોધી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ હિંસા કરવાની અપીલ કરતી પોસ્ટ મોહમ્મદ અખ્તર કરતો હોવાનું ATSને તપાસમાં જણાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાતે આવ્યા ત્યારે તેણે ટેલિગ્રામ ચેનલમાં ‘કુછ કરના થા ઇન્દિરા કી તરહ PM મોદી કો ભાઈલોગ’ એવું લખીને તેમની હત્યા કરવી જોઈતી હતી એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. હિંસાને પ્રોત્સાહન આપતાં તેણે ‘અબ જિહાદ કા ઝમાના આ ગયા હૈ’ એવું પણ ટેલિગ્રામ ચૅનલની ચૅટમાં લખ્યું હતું.
ISIના સંપર્કમાં હોઈ શકે, પાકિસ્તાની ટેલિગ્રામ ચૅનલ્સ સાથે પણ જોડાયેલો
જૈશના ઑપરેટિવ તરીકે કામ કરતો મોહમ્મદ અખ્તર કુખ્યાત પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના સંપર્કમાં હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે ISIના ઇશારે કામ કરી રહ્યો હોવાનું ATSનું માનવું છે. ટેલિગ્રામ પર પણ તે પાકિસ્તાની ચૅનલ ઇબ્ન-એ-કાસિમ સાથે જોડાયેલો હતો. ISI સાથેના કનેક્શનની ATS દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
આતંકવાદી મસૂદ અઝહરનું ભાષણ શૅર કર્યું, અનેક વાંધાજનક વિડિયો મોબાઇલમાં મળ્યા
સોશ્યલ મીડિયા પર પોસ્ટ ઉપરાંત મોહમ્મદ અખ્તર ટેલિગ્રામ પર કટ્ટરવાદી ગ્રુપ્સ સાથે પણ જોડાયેલો હતો. તેના મોબાઇલની તપાસ કરતાં એમાંથી કટ્ટરવાદી ભાષણો, વાંધાજનક ઑડિયો-વિડિયો અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓનાં ભાષણો મળી આવ્યાં હતાં. ઇન્ડિયન મુસ્લિમ નામના ટેલિગ્રામ ગ્રુપ પર તેણે બાબરી મસ્જિદને લઈને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધારમાંના એક મસૂદ અઝહરનું ભાષણ પણ શૅર કર્યું હતું.