ભલે નરેન્દ્ર મોદીના મનની વાત હોય, પણ PoPની ગણેશમૂર્તિઓ પર તત્કાળ પ્રતિબંધ અશક્ય

05 August, 2026 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારની રજૂઆત, આ વર્ષે નહીં પણ તબક્કાવાર અમલ કરવાની તૈયારી : અદાલતે પૂછ્યું કે તમે તમારા આ વલણ વિશે વડા પ્રધાનને માહિતગાર કર્યા છે?

પ્રતીકાત્મક તસવીર

પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)માંથી બનતી મૂર્તિઓના વિસર્જનને કારણે પર્યાવરણને નુકસાન થાય છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને માટીની મૂર્તિ ખરીદવાનો આગ્રહ કર્યો હતો. આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકાર પાસે મત માગ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આગામી ગણેશોત્સવ દરમ્યાન PoPમાંથી બનેલી મૂર્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી, પરંતુ આવી મૂર્તિઓનો ઉપયોગ ધીમે-ધીમે તબક્કાવાર બંધ કરવામાં આવશે.
રાજ્યના લીગલ ઑફિસરે ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશોત્સવમાં માટીની ગણેશમૂર્તિઓનો ઉપયોગ કરવા કરેલી અપીલનું સરકાર સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કરશે, પરંતુ ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા આ વર્ષના તહેવાર દરમ્યાન અેનો તાત્કાલિક અમલ કરવો વ્યવહારિક રીતે મુશ્કેલ છે.’
સરકારની આ રજૂઆત બાદ બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે શું રાજ્ય સરકારે પોતાના આ વલણ વિશે વડા પ્રધાન મોદીને માહિતગાર કર્યા છે?
અૅડ્વોકેટ જનરલ મિલિંદ સાઠેએ મંગળવારે હાઈ કોર્ટને માહિતી આપી હતી કે સરકાર વડા પ્રધાનના સૂચનનું પાલન કરશે, પરંતુ આ વર્ષ માટે કોર્ટને ૨૦૨૫માં આપવામાં આવેલા આદેશને યથાવત્ રાખવા વિનંતી કરી હતી. ૨૦૨૫ના આદેશ મુજબ ૬ ફુટથી વધુ ઊંચાઈ ધરાવતી PoPની મૂર્તિઓને દરિયામાં વિસર્જિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારી વકીલે ખાતરી આપી હતી કે સરકાર ભવિષ્યમાં આયોજનબદ્ધ રીતે PoP મૂર્તિઓનો ઉપયોગ તબક્કાવાર નાબૂદ કરશે.
બીજી તરફ PoP મૂર્તિકારો દ્વારા પણ કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો PoP મૂર્તિઓ પર અચાનક પ્રતિબંધ મૂકવામાં આવશે તો વેપાર કરવાના તેમના મૂળભૂત અધિકારને મોટો ફટકો પડશે.  

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra ganesh chaturthi bombay high court