નાગપુરના સાવજી ભોજનને જોખમી ગણાવનારા તુકારામ મુંઢે સામે રેસ્ટોરાં-માલિકોનો પલટવાર

05 August, 2026 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા એક રેસ્ટોરાં-માલિકે તેમના માટે પરંપરાગત સાવજી વાનગીઓ જાતે રાંધવાની ઑફર કરી હતી.

સાવજી મટન

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ નાગપુરના પ્રખ્યાત સાવજી મટન વિશે કરેલી ટિપ્પણીની આ લોકપ્રિય વાનગી બનાવતા રેસ્ટોરાં-માલિકોએ આકરી ટીકા કરી છે. સાવજી સમુદાયના સભ્યોએ જણાવ્યું હતું કે વરિષ્ઠ IAS અધિકારીના નિવેદનથી નાગપુરની ઓળખ સાથે ઊંડે સુધી સંકળાયેલી રાંધણપરંપરાની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. સાવજી મટન એક ગરમ મટન કરી છે જે સ્થાનિક સમુદાય દ્વારા બનાવવામાં આવે છે અને અેમાં શેકેલા આખા મસાલા, સૂકા નારિયેળ અને ભારે તેલના સમૃદ્ધ મિશ્રણનો ઉપયોગ કરીને ઘાટી અને મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવે છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં બોલતાં તુકારામ મુંઢેએ કહ્યું હતું કે જો તેમના જેવો કોઈ સાવજી ખોરાક ખાય છે તો તે ઓછામાં ઓછા એક મહિના માટે હૉસ્પિટલમાં રહેશે. તેમણે ઉમેર્યું હતું કે આવો તેલયુક્ત ખોરાક ખાવાથી હૃદયરોગ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. આ ટિપ્પણીઓ પર સાવજી રેસ્ટોરાંના સંચાલકો તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી, તેમણે કહ્યું હતું કે સાવજી ભોજન માત્ર એક ખાદ્યપદાર્થ નથી, નાગપુરનો સાંસ્કૃતિક વારસો છે. જો સાવજી ખોરાક ખરેખર હાનિકારક હોય તો નાગપુરની હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ જશે. એક રેસ્ટોરાં-માલિકે કહ્યું, તુકારામ મુંઢેની ટિપ્પણી વ્યવસાય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. એક રેસ્ટોરાં માલિકે આવાં નિવેદનો આપતાં પહેલાં તુકારામ મુંઢેને અધિકૃત સાવજી ભોજનનો સ્વાદ માણવા આમંત્રણ આપ્યું, જ્યારે બીજા એક રેસ્ટોરાં-માલિકે તેમના માટે પરંપરાગત સાવજી વાનગીઓ જાતે રાંધવાની ઑફર કરી હતી.

mumbai news mumbai nagpur food and drug administration maharashtra government maharashtra news maharashtra