નાશિકમાં ૮૦ વર્ષના એક પ્રિન્સિપાલે બીમાર પત્નીની હત્યા કરીને આત્મહત્યા કરી, સુસાઇડ-નોટમાં લખ્યું...

11 April, 2025 08:08 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

હું મારી પત્નીને બહુ ચાહું છું... તેને મુક્ત કરીને હું પણ જીવન ટૂંકાવું છું... લતાને અંતિમ સંસ્કાર પહેલાં નવી સાડી, મંગળસૂત્ર ને દાગીના પહેરાવજો

મુરલીધર રામચંદ્ર જોશી, બીમાર અને પથારીવશ પત્ની લતા

નાશિકમાં ૮૦ વર્ષના નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ મુરલીધર રામચંદ્ર જોશીએ બુધવારે તેમનાં લાંબા સમયથી બીમાર અને પથારીવશ પત્ની લતાની હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઇડ-નોટમાં લખ્યું હતું કે તેમણે પોતાની પત્નીને લાંબા સમયની બીમારીમાંથી મુક્તિ આપી છે. 

નાશિકમાં જેલ રોડ પર રહેતા મુરલીધર જોશીનાં ૭૬ વર્ષનાં પત્ની લતા જોશી લાંબા સમયથી બીમાર હતાં અને પથારીવશ હતાં. લતા જોશી પણ શિ​ક્ષિકા હતાં. મુરલીધર જોશીએ તેમની સંભાળ લેવા સીમા રાઠોડને કૅરટેકર તરીકે રાખી હતી. બપોર સુધીનું કામ પતાવીને સીમા ઘરે ચાલી ગઈ હતી. તે સાંજે ૭ વાગ્યે આવી ત્યારે તેણે પોતાની પાસેની ચાવીથી ઘરનો દરવાજો ખોલીને જોયું તો દંપતી મૃત અવસ્થામાં હતું. એથી તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને કાર્યવાહી કરી હતી. દંપતીને બે દીકરાઓ છે જે મુંબઈમાં સેટલ થયા છે.

પોલીસને મુરલીધર જોશીએ લખેલી સુસાઇડ-નોટ મળી આવી હતી. એમાં તેમણે લખ્યું હતું કે ‘હું મારી પત્નીને બહુ ચાહું છું. તે લાંબા સમયથી બીમાર છે અને પથારીવશ છે. હું તેને એમાંથી મુક્ત કરું છું અને હું પણ જીવન ટૂંકાવું છું. અમારી સંભાળ લેનાર સીમા રાઠોડને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે જે મેં અલગથી રાખ્યા છે. અમારા અંતિમ સંસ્કાર માટે પણ રકમ રાખી મૂકી છે. લતાને અંતિમ સંસ્કાર આપતાં પહેલાં નવી સાડી પહેરાવજો. મંગળસૂત્ર અને દાગીના પણ પહેરાવજો.’

nashik murder case suicide news mumbai mumbai news