રિચા ચડ્ઢાની પ્રથમ નૉન ફિક્શન સિરીઝ `મુસાફિરી`નું ટ્રેલર રિલીઝ

18 September, 2026 08:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈને નવા દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ, 25 સપ્ટેમ્બરથી યુટ્યુબ ચેનલ ફુલ સ્ટોપ પર શરૂ થશે આઠ એપિસોડની સિરીઝ. બૉલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા હવે એક નવા અવતારમાં દર્શકો સામે આવી રહી છે.

રિચા ચડ્ઢા (ફાઈલ તસવીર)

મુંબઈને નવા દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ, 25 સપ્ટેમ્બરથી યુટ્યુબ ચેનલ ફુલ સ્ટોપ પર શરૂ થશે આઠ એપિસોડની સિરીઝ. બૉલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા હવે એક નવા અવતારમાં દર્શકો સામે આવી રહી છે. રિચાએ પોતાની પ્રથમ નૉન ફિક્શન સિરીઝ અને યુટ્યુબ ડેબ્યૂ મુસાફિરીનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ આઠ એપિસોડની સિરીઝમાં રિચા માત્ર હોસ્ટ જ નહીં પરંતુ પ્રૉડ્યુસર અને લેખકની ભૂમિકા પણ ભજવી રહી છે. સિરીઝનું પહેલું એપિસોડ 25 સપ્ટેમ્બરે નવા યુટ્યુબ ચેનલ ફુલ સ્ટોપ પર રિલીઝ થશે અને ત્યારબાદ દર શુક્રવારે એક નવો એપિસોડ રજૂ કરવામાં આવશે.

મુસાફિરી રિચા ચઢ્ઢા અને અલી ફઝલના પ્રૉડક્શન હાઉસ પુશિંગ બટન્સ સ્ટુડિયોઝનું બીજું પ્રૉડક્શન છે. આ પહેલાં તેમના પ્રૉડક્શન હાઉસની ફિલ્મ ગર્લ્સ વિલ બી ગર્લ્સને પણ ખાસ પ્રતિસાદ મળ્યો હતો અને સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને અનેક સન્માન મળ્યાં હતાં. રિચાને લોસ એન્જલસમાં યોજાયેલા ઇન્ડીપેન્ડન્ટ સ્પિરિટ એવોર્ડ્સમાં જ્હોન કાસાવેટ્સ પ્રાઇઝથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

માતા બન્યા બાદ આવ્યો સિરીઝનો વિચાર

મુસાફિરી પાછળનો વિચાર રિચાના માતા બન્યા બાદના અનુભવમાંથી આવ્યો છે. માતા બન્યા પછી આસપાસની દુનિયાને જોવાનો તેમનો દૃષ્ટિકોણ બદલાયો અને વર્ષોથી પોતાનું ઘર ગણાતા મુંબઈને પણ વધુ ઊંડાણપૂર્વક જાણવાની ઉત્સુકતા જાગી. ટ્રેલરની શરૂઆત પણ રિચાના માતા બનવાના અનુભવ અને ત્યારબાદ દુનિયાને જોવામાં આવેલા બદલાવ સાથે થાય છે. તેમના મતે, માતા બન્યા પછી ઘણી જાણીતી વસ્તુઓને પણ નવા દૃષ્ટિકોણથી જોવાની અને તેના વિશે વધુ જાણવાની જિજ્ઞાસા પેદા થઈ. સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી હિસ્ટ્રી ઓનર્સનો અભ્યાસ કરનારી રિચા ચડ્ઢા એવા પરિવારમાં ઉછરી છે જ્યાં શિક્ષણ અને જ્ઞાનને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું. ઇતિહાસ, કલા, સંસ્કૃતિ અને લોકો વિશે જાણવામાં તેમને પહેલેથી જ ઊંડો રસ રહ્યો છે.

મુંબઈને કેટલું જાણે છે રિચા

મુસાફિરી દ્વારા રિચા પોતાની આ જિજ્ઞાસાને મુંબઈ સાથે જોડે છે. વર્ષોથી જે શહેરમાં રહે છે અને જેણે તેમની જિંદગી તથા કારકિર્દીને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, તે શહેરને તેઓ ખરેખર કેટલું જાણે છે તેવો સવાલ સિરીઝમાં ઉઠાવવામાં આવ્યો છે. મુસાફિરીની પ્રથમ સિઝન સંપૂર્ણપણે મુંબઈને સમર્પિત છે. જોકે આ સિરીઝ માત્ર મુંબઈના જાણીતા સ્થળો અને પ્રચલિત કહાણીઓ પૂરતી મર્યાદિત નથી. શહેરના એવા વિસ્તારો, સ્થળો અને લોકોની વાત પણ અહીં કરવામાં આવશે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. સિરીઝમાં મુંબઈનો વણખુદાયેલો ઇતિહાસ, ઓછા જાણીતા સ્થળો, રસપ્રદ વ્યક્તિઓ અને વણકહેલી કહાણીઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સ્થાનિક લોકો અને નિષ્ણાતો સાથે કરશે વાતચીત

આઠ એપિસોડમાં રિચા પોતાના જ શહેરમાં એક જિજ્ઞાસુ પ્રવાસીની જેમ ફરતી જોવા મળશે. આ દરમિયાન તેઓ સ્થાનિક રહેવાસીઓ, કલાકારો, સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો, ઇતિહાસકારો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાતચીત કરશે. મુસાફિરીનો મુખ્ય ઉદ્દેશ લોકો, સ્થળો અને પ્રેમ સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબ શોધવાનો છે. એક રીતે આ સિરીઝ રિચાની પોતાના જ શહેરને ફરીથી ઓળખવાની સફર બની રહેશે.

મુંબઈ પ્રત્યેની પોતાની જવાબદારી અંગે પણ વિચાર્યું

મુસાફિરી વિશે વાત કરતાં રિચા ચઢ્ઢાએ જણાવ્યું હતું કે માતા બન્યા બાદ દુનિયાને જોવાનો તેમનો દૃષ્ટિકોણ બદલાયો છે. તેમના કહેવા પ્રમાણે, ત્યારબાદ વસ્તુઓને ફરીથી જાણવા અને સમજવાની જિજ્ઞાસા વધી અને જે બાબતોને અત્યાર સુધી સાચી માનતી આવી હતી તેના પર પણ સવાલો કરવા લાગી. રિચાએ કહ્યું કે તેમણે પોતાને સવાલ કર્યો કે જે શહેરમાં તેઓ આટલાં વર્ષોથી રહે છે તેને તેઓ ખરેખર કેટલું જાણે છે. સાથે જ તેમના મનમાં એ સવાલ પણ સતત રહ્યો કે જે શહેરે તેમને ઘણું આપ્યું છે તેના પ્રત્યે તેમની જવાબદારી શું છે. રિચાએ વધુમાં જણાવ્યું કે તેમને હંમેશાં ઇતિહાસ, કલા, સંસ્કૃતિ અને લોકો વિશે જાણવામાં રસ રહ્યો છે. હિસ્ટ્રી ઓનર્સનો અભ્યાસ અને જ્ઞાનને મહત્વ આપતા પરિવારમાં થયેલો ઉછેર પણ તેમના વ્યક્તિત્વનો મહત્વનો હિસ્સો રહ્યો છે. તેમના મતે મુસાફિરી આ જ રસ અને જિજ્ઞાસાનું સ્વાભાવિક વિસ્તરણ છે.

રિચા અને અલી ફઝલ માટે નવી ક્રિએટિવ શરૂઆત

બટન્સ સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત મુસાફિરી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ માટે પણ એક નવી ક્રિએટિવ શરૂઆત છે. અત્યાર સુધી ફિક્શન પ્રૉડક્શન સાથે જોડાયેલા તેમના પ્રૉડક્શન હાઉસે હવે નોન ફિક્શનની દુનિયામાં પણ પગલું માંડ્યું છે. મુસાફિરીનું પ્રીમિયર 25 સપ્ટેમ્બરે નવા યુટ્યુબ ચેનલ ફુલ સ્ટોપ પર થશે. સિરીઝના કુલ આઠ એપિસોડ દર શુક્રવારે એક પછી એક રિલીઝ કરવામાં આવશે.

mumbai news mumbai richa chadha richa chadda bollywood buzz ali fazal youtube