07 April, 2025 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈથી ગોવા વચ્ચે રો રો ફેરરી શરૂ થવાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા જળ આવાગમનને પ્રોત્સાહન આપ્યા બાદ હવે મહારાષ્ટ્રના પરિવહન મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે કહ્યું છે કે આ સેવા ટૂંક સમયમાં જ શરૂ થશે.
મુંબઈ અને ગોવા વચ્ચે બે સ્ટીમરથી 1960ના દાયકામાં લોકોને લઈ જવાની સુવિધા શરૂ થઈ હતી. ભારતના મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગોવા માટે પણ નિયમિત રીતે રો-રો ફેરી સેવા શરૂ થઈ નથી. હવે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે પોતે આ વિષયમાં રસ દર્શાવ્યો છે. જો બધું બરાબર રહ્યું તો મુંબઈ-ગોવા રાજમાર્ગ ખુલવાની રાહ જોતા લોકોને મોટી ભેટ મળી શકે છે. લોકો માત્ર 6 કલાકમાં જ મુંબઈથી ગોવા પહોંચી જશે.
સરનાઇકે શું શું કહ્યું?
મુંબઈ અને થાણે જેવા શહેરોમાં કેબલ ટેક્સી જેવા નવા પરિવહનના મોડ પર કામ કરતાં સરનાઇકે કહ્યું છે કે મુંબઈથી ગોવા રો-રો સેવા શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સરનાઈકનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડોક સમય પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મુંબઈ મેટ્રોપૉલિટન (એમએમઆર) ક્ષેત્રમાં જળ પરિવહનની જાહેરાત કરી હતી, કારણકે આ ક્ષેત્રમાં એક તરફ ખાડી છે અને બીજી તરફ સમુદ્ર છે. અહીં 15-20 જેટ્ટીઓનું કામ પણ પૂરું થઈ ગયું છે. આના નિર્માણ બાદ મીરા-ભાયંદરથી વસઈ-વિરાર સુધી રો-રો સેવા શરૂ થઈ ગઈ છે. હવે સરનાઇકે કહ્યું છે કે ટૂંક સમયમાં મુંબઈથી ગોવા રો-રો સેવા શરૂ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
આ નિર્ણય ગેમ ચેન્જર બની શકે છે
મુંબઈ અને ગોવા વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને મુસાફરીનો સમય ઘટાડવા માટે, મુંબઈ અને ગોવા વચ્ચે એક હાઇવે બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તેને પૂર્ણ થવામાં થોડો સમય લાગશે. આ રૂટ પરની ટ્રેનો ઘણીવાર ભરેલી હોય છે. વધુમાં, હવાઈ ભાડું ખૂબ ઊંચું છે. નિષ્ણાતો માને છે કે આવી સ્થિતિમાં, જો મુંબઈ-ગોવા જળમાર્ગ પરિવહન માટે ખુલ્લો મૂકવામાં આવે તો તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હાલમાં, મુંબઈથી અલીબાગ સુધી રો-રો સેવા કાર્યરત છે. જેમાં બોટ દ્વારા વાહનોના પરિવહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ રો-રો મુંબઈથી અલીબાગ મુસાફરી કરતા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. જો મુંબઈ અને ગોવા વચ્ચે રો-રો ફેરી સેવા શરૂ થાય તો બંને સ્થળોને પ્રવાસનનો ફાયદો થઈ શકે છે. રો-રો ફેરી સેવાને લીલી ઝંડી આપતા પહેલા સરકાર સલામતીના ધોરણો અંગે પોતાને સંતોષવા માંગે છે.
હવે શું સ્થિતિ છે?
M2M ફેરીઝે મુંબઈથી અલીબાગની મુસાફરી ખૂબ જ સરળ બનાવી દીધી છે. એક કલાકમાં તમે મહારાષ્ટ્રના મિની ગોવા પહોંચી શકો છો. પરંતુ હવે ગોવા માટે ફેરી ચલાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. M2M ફેરીઝ નવા હસ્તગત કરેલા રોપેક્સ જહાજ પર મુંબઈ-ગોવા રો-રો સેવા શરૂ કરવાની પ્રક્રિયામાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શરૂઆતના ટ્રાયલમાં મુંબઈ-ગોવાની મુસાફરી 6.5 કલાકમાં પૂર્ણ થઈ હતી. જો મંજૂરી મળશે, તો ફેરી સેવા માઝગાંવ ડોકથી પણજી જેટી ડોક સુધી દોડશે. પરવાનગી માટે ગોવા સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. આ જહાજ લગભગ 620 મુસાફરો અને 60 વાહનોનું વહન કરી શકે છે. અગાઉ આ સેવા શરૂ કરવાની અંતિમ તારીખ માર્ચ, 2025 માનવામાં આવતી હતી પરંતુ હવે તે ઉનાળામાં શરૂ થવાની ધારણા છે. મુંબઈથી ગોવા સુધીનો પ્રવાસ હાલમાં લગભગ 10 થી 11 કલાકનો છે.