મુંબઈથી વિજયદુર્ગની રો-રો ફેરીની શરૂઆત

02 March, 2026 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુકિંગના પહેલા જ દિવસે ફેરી ફુલ થઈ ગઈ હતી

મુંબઈ-વિજયદુર્ગ રો-રો ફેરી સર્વિસ

મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી મુંબઈ-વિજયદુર્ગ રો-રો ફેરી સર્વિસને કોકણ ક્ષેત્રના રહેવાસીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. બુકિંગના પહેલા જ દિવસે ફેરી ફુલ થઈ ગઈ હતી. આ સર્વિસનું ઔપચારિક ઉદ્ઘાટન ગઈ કાલે રવિવારે પહેલી માર્ચે સવારે ૮ વાગ્યે મુંબઈના ભાઉચા ધક્કા ખાતે મત્સ્યોદ્યોગ અને બંદર ખાતાના પ્રધાન નીતેશ રાણે દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ જહાજે વિજયદુર્ગની એની પ્રથમ યાત્રા શરૂ કરી હતી.

એશિયાની સૌથી ઝડપી M2M રો-રો વૉટર ટ્રાન્સપોર્ટ સર્વિસ તરીકે વર્ણવવામાં આવેલી ફેરી બોટમાં મોટી સંખ્યામાં વાહનો સાથે લગભગ ૬૨૬ મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે. પ્રોજેક્ટના મહત્ત્વ પર ભાર મૂકતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘ફેરી મુંબઈ-વિજયદુર્ગ અંતર માત્ર છથી સાત કલાકમાં કાપશે. એનાથી કોકણ દરિયાકાંઠે સલામત, આરામદાયક અને સુંદર દરિયાઈ મુસાફરી થઈ શકશે.’

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘આ સર્વિસ મહારાષ્ટ્રના દરિયાઈ પરિવહન ઇતિહાસમાં એક નવો અધ્યાય બનાવશે અને દરિયાકાંઠાના જોડાણ અને માળખાગત વિકાસને મજબૂત બનાવતી વખતે રોડ-ટ્રાફિકની ભીડમાં નોંધપાત્ર ઘટાડો કરશે. બાય રોડ કોકણવાસીઓને વતન પહોંચતાં જે વાર લાગે છે અને હાડમારી ભોગવવી પડે છે એમાંથી તેમનો છુટકારો થશે અને તેમને એક વધુ સારો વિકલ્પ મળી રહ્યો છે.’ 

ટિકિટના ભાવ

બુકિંગની વિગતો અનુસાર ઇકૉનૉમી કૅટેગરીમાં સૌથી વધુ ડિમાન્ડ મળી છે, જ્યારે પ્રીમિયમ, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ કૅટેગરીમાં પણ મજબૂત રિઝર્વેશન જોવા મળ્યું છે. ટિકિટના ભાવ ૩૦૦૦ રૂપિયાથી ૯૦૦૦ રૂપિયાની વચ્ચે છે. મુસાફરો ઉપરાંત ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલર માટે પણ બુકિંગ નોંધપાત્ર રહ્યું છે, જે કાર્યક્ષમ મુંબઈ-કોકણ મુસાફરી વિકલ્પની વધતી જતી જરૂરિયાતને 
દર્શાવે છે.

mumbai news mumbai mumbai travel mumbai transport maharashtra government maharashtra news maharashtra konkan