RPFએ લૉન્ચ કરેલી મહિલા સલામતી સેવા `મેરી સહેલી`નો આ નંબર નોંધી લેજોઃ 7229034690

16 December, 2025 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકલમાં મહિલા મુસાફરોની સુરક્ષા માટે RPFએ મેરી સહેલી પહેલ શરૂ કરી

અંધેરી રેલવે-સ્ટેશન પર RPFએ ચલાવેલું અભિયાન.

મુંબઈની લોકલ ટ્રેનોમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ‘મેરી સહેલી’ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ મહિલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમની ફરિયાદો નોંધાવવા માટે એક સમર્પિત 72290 34690 નંબર આપવામાં આવ્યો છે. ‘મેરી સહેલી’ ઝુંબેશનો હેતુ મહિલા મુસાફરોને તેમની મુસાફરી દરમ્યાન સુરક્ષા અને સહાય પૂરી પાડવાનો છે. આ ઝુંબેશ હેઠળ RPFના અધિકારીઓ અને કર્મચારીઓએ મહિલા મુસાફરો સાથે વાતચીત કરીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત રોજ પ્રવાસ સમયે તેમને થતી સમસ્યાઓ વિશે પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મહિલા મુસાફરો 182 અથવા 1800111321 નંબર પર અથવા રેલવેની વેબસાઇટ પર પણ તેમની ફરિયાદ નોંધાવી શકે છે એમ જણાવતાં RPFના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા મુસાફરોમાં સુરક્ષાની ભાવના નિર્માણ કરવા RPF દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે. છેલ્લા એક વર્ષમાં લોકલ ટ્રેનમાં મહિલાઓના વિનયભંગની ઘટનામાં વધારો થયો છે. અમુક વખત મહિલાઓ આવી ઘટનામાં ફરિયાદ કરવા આગળ આવતી નથી, કારણ કે તેઓ ડરતી હોય છે. આ અભિયાનથી અમે મહિલાઓની સુરક્ષા માટે સતત તત્પર છીએ એવી માહિતી દરેક રેલવે-સ્ટેશન પર તેમને આપી રહ્યા છીએ તેમ જ કઈ રીતે અમે મહિલાઓને મદદ કરીએ છીએ એની માહિતી પણ આપી રહ્યા છીએ. જ્યારે કોઈ અપ્રિય ઘટના બને ત્યારે કોઈનાથી બિલકુલ ડરવાની જરૂર નથી એમ સમજાવવાની કોશિશ પણ અમે કરી રહ્યા છીએ. આ અભિયાન સતત એક મહિના સુધી ચાલશે.’

mumbai news mumbai mumbai local train railway protection force mumbai trains andheri