18 January, 2025 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરામાં ૧.૩૭ વાગ્યે આરોપી ઉપર જતો જોવા મળ્યો હતો અને ૨.૩૩ વાગ્યે તે નીચેની તરફ જતો દેખાયો હતો.
સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપીનાં નવાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) ફુટેજ પોલીસને હાથ લાગ્યાં છે જેમાં આરોપી સૈફ અલી ખાન રહે છે એ સદ્ગુરુ શરણ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી બારમા માળ સુધી પગથિયાં ચડીને ઉપર ગયો હોવાનું જણાયું છે. CCTV ફુટેજમાં જણાયું છે કે આરોપી બુધવારની રાત્રે ૧.૩૭ વાગ્યે છઠ્ઠા માળે પગથિયાં ચડીને જાય છે. આ સમયે તેણે મોઢા પર કપડું બાંધેલું હતું, જ્યારે ૨.૩૩ વાગ્યે આરોપી ઉપરથી નીચે ઊતરતો હોવાનું CCTVમાં દેખાય છે. આ સમયે આરોપીનો ચહેરો ઢાંકેલો નહોતો. સૈફ પર હુમલો કરનારાને પોલીસે ઓળખી કાઢ્યો છે. આરોપી સૈફની બિલ્ડિંગમાં ૫૬ મિનિટ સુધી હતો. ફુટેજમાં પીઠ પર બૅગ સાથેનો આરોપી પગલાંનો અવાજ ન થાય એવી રીતે દબાતાં પગલે ચાલી રહ્યો હોવાનું જણાય છે. આરોપી સૈફની સોસાયટીમાં કેવી રીતે પ્રવેશ્યો હતો એની કડી આ ફુટેજથી મળી ગઈ છે, પણ તે સૈફના ઘરમાં કેવી રીતે પહોંચ્યો હતો એનો કોયડો હજી ઉકેલવાનો બાકી છે. હાથ લાગેલાં આ નવાં ફુટેજને આધારે પલાયન થઈ ગયેલા આરોપીને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.