ત્રણ દિવસ પહેલાં જ EDએ પૂછપરછ કરી હતી, આ અકસ્માત હોઈ જ ન શકે

18 April, 2026 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમૃદ્ધિ મહામાર્ગ પર થયેલા અકસ્માતમાં અશોક ખરાતના સાથીદાર જિતેન્દ્ર શેળકેનું મોત, અંજલિ દમણિયાને દાળમાં કંઈક કાળું લાગે છે : જિતેન્દ્ર શેળકેના પાર્ટી-પ્લૉટમાં અશોક ખરાતની ભાગીદારી હતી, અશોક ખરાતની ધરપકડ બાદ જિતેન્દ્ર શેળકે સ્ટ્રેસમાં રહેતો હતો

જિતેન્દ્ર શેળકેની કાર કન્ટેનરની પાછળ અથડાઈને એની નીચે ઘૂસી જવાથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો

નાશિકના સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાતની નજીકના વિશ્વાસુ ગણાતા જિતેન્દ્ર શેળકે અને તેની પત્ની અનુરાધા શેળકેનાં ગઈ કાલે સમૃદ્ધિ મહામાર્ગ પર થયેલા કાર-અકસ્માતમાં મોત થયાં હતાં, જ્યારે તેનો દીકરો ગંભીર રીતે જખમી છે. છત્રપતિ સંભાજીનગરથી શિર્ડી જતી વખતે ધોત્રે ગામ પાસે આ ગોઝારો અકસ્માત થયો હતો. જિતેન્દ્ર શેળકેની કાર પાર્ક કરાયેલા એક કન્ટેનરની નીચે પાછળથી ઘૂસી ગઈ હતી. કાર સ્પીડમાં હોવાથી એને બહુ જ નુકસાન થયું હતું. જિતેન્દ્ર શેળકેનું સ્પૉટ પર જ મૃત્યુ થયું હતું.

અકસ્માતમાં પત્ની સાથે મૃત્યુ પામનાર જિતેન્દ્ર શેળકે

જિતેન્દ્ર શેળકે અશોક ખરાતના શિવનિકા સંસ્થાન ટ્રસ્ટમાં ઉપાધ્યક્ષ હતો. એ સિવાય જિતેન્દ્ર શેળકેની લૉન્સ (પાર્ટી-પ્લૉટ)માં પણ અશોક ખરાતની ભાગીદારી હતી. એવું કહેવાય છે કે જ્યારથી અશોક ખરાતની ધરપકડ થઈ છે ત્યારથી તે સ્ટ્રેસમાં રહેતો હતો. હવે જિતેન્દ્ર શેળકેનો આ રીતે અકસ્માત થવાથી આ ઘટનાને લઈ સમાજમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

અશોક ખરાતના કેસમાં અનેક દાવા કરનાર સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘હજી ૩ દિવસ પહેલાં જ અશોક ખરાત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ જિતેન્દ્ર શેળકેની આ કેસમાં પૂછપરછ કરી હતી અને ગઈ કાલે તેનું અચાનક મૃત્યુ થયું. આ અકસ્માત હોઈ જ ન શકે.’

બ્રેક ફેલ થઈ ગઈ કે કરી દેવાઈ? : અમોલ મિટકરી

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિટકરીએ જિતેન્દ્ર શેળકેના આ અકસ્માત બાબતે શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં જ EDએ જિતેન્દ્ર શેળકેની આ કેસમાં પૂછપરછ કરી હતી અને ગઈ કાલે તેનું અચાનક મૃત્યુ થયું. આ અકસ્માત હતો કે પછી અન્ય કંઈ એવી શંકા જાય છે. જિતેન્દ્ર શેળકેની કારની બ્રેક ફેલ થઈ હતી કે કરવામાં આવી હતી એની તપાસ થવી જોઈએ. અશોક ખરાત પ્રકરણને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ? કારણ કે હવે જિતેન્દ્ર શેળકેનું મૃત્યુ થવાથી આ પ્રકરણ વધુ ગંભીર બની ગયું છે.’ 

ashok kharat case nashik samruddhi expressway road accident enforcement directorate maharashtra news maharashtra mumbai mumbai news