26 June, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલાં પત્રકારો પર ભડક્યા અને પછી માફી માગી.
મેં પાંચ જણને ઠાર કર્યા છે... તમારા ઘર પર બૉમ્બ ફેંકીશ એવું થોડા દિવસ પહેલાં બોલનારા આ નેતા સામે સંજય રાઉતે પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્ર લખ્યો એ પછી શરૂ થયો વિવાદ ઃ પત્રકારોએ પ્રતિક્રિયા માગી એમાં પિત્તો ગુમાવ્યો સંસદસભ્યએ અને ગંદી ભાષા વાપરીને મારવાની ધમકી આપી ઃ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને મળીને આવું નહીં ચાલે એવું કહ્યું એ પછી સંજય દીના પાટીલે માફી માગી
શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય અને નેતા સંજય રાઉતે સંજય દીના પાટીલને લઈને મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્ર લખીને તેમની સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી એને પગલે ગઈ કાલે જબરદસ્ત વાદવિવાદ સર્જાયો હતો. આ પત્ર વિશે પત્રકારોએ સંજય દીના પાટીલની પ્રતિક્રિયા માગી એને પગલે તે જબરદસ્ત ઉશ્કેરાયા હતા અને પત્રકારોને ગાળો ભાંડી હતી. આ મામલો એટલો ચગી ગયો હતો કે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે મીટિંગ કરીને કહેવું પડ્યું હતું કે આવું નહીં ચાલે. પરિણામે સાંજે સંજય દીના પાટીલે માફી માંગવી પડી હતી.
સંજય દીના પાટીલે શિવસેના (UBT)ના કાર્યકરોને અગાઉ ધમકી આપતાં કહ્યું હતું કે ‘મારા વાદે ન ચડતા... મે પાંચ લોકોને માર્યા છે... મારી સામે આંદોલન કરતાં પહેલાં જીવનવીમો કાઢી લેજો... હું તમને સીધા સ્મશાનમાં મોકલીશ, નહીં તો પછી હૉસ્પિટલમાં મોકલીશ.’
સંજય રાઉતે પોલીસ કમિશનરને લખેલો પત્ર.
સંજય રાઉતે દેવેન ભારતીને પત્ર લખીને તપાસની માગણી કરતાં કહ્યું હતું કે ‘સંજય પાટીલે જાતે જ કબૂલાત કરતાં કહ્યું છે કે મેં આ પહેલાં પાંચ લોકોને માર્યા છે. તો એ પાંચ લોકો કોણ? તેમને સંજય પાટીલે ક્યારે અને કેવી રીતે અને શા માટે માર્યા એની તપાસ થવી જોઈએ. સંજય પાટીલ સામે આ બાબતે તત્કાળ ગુનો નોંધાવો જોઈએ.’
વળી સંજય પાટીલે એમ પણ કહ્યું હતું કે જો મારી સામે આંદોલન કર્યું તો તમારા ઘર પર બૉમ્બ નાખીશ, ઘરમાં ઘૂસીને મારીશ. એ વાતનો સંદર્ભ આપીને સંજય રાઉતે પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્રમાં કહ્યું છે કે ‘સંસદસભ્ય દ્વારા બૉમ્બ નાખવાની ધમકી ગંભીર છે. જો તેમણે પોતાના ઘરમાં બૉમ્બ બનાવ્યા હોય તો તેમના ઘરની તાત્કાલિક ઝડતી લેવી જોઈએ. એ માટે ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડની મદદ લેવી જોઈએ. આ બૉમ્બ તેમણે કોઈ આંતકવાદી ટોળકી પાસેથી મેળવ્યા હોય તો એ નૅશનલ સિક્યૉરિટીનો સવાલ ગણાવો જોઈએ. એથી એ આંતકવાદી, દેશવિરોધી કૃત્ય ગણાવું જોઈએ અને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ તેમની ધરપકડ થવી જોઈએ. તેમનાં બધાં જ નિવેદનો દહેશતવાદ, ગુનેગારી કૃત્યમાં સામેલ થયા હોવાના પુરાવા છે. એથી તેમની સામે તરત કાર્યવાહી કરવી. જો એમ ન થયું તો મારે લોકોની સુરક્ષા માટે કોર્ટમાં દાદ માગવી પડશે. હાલના સમયમાં જો એકાદ રાજકીય કાર્યકર પર હુમલો થાય અથવા તો તેનું ખૂન થાય તો એની બધી જવાબદારી સંજય પાટીલની રહેશે એ ખાસ ટાંકું છું.’
સંજય રાઉતના આ પત્ર વિશે ગઈ કાલે સંજય પાટીલને મળ્યા અને તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો ત્યારે સંજય પાટીલે તેમને ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે ‘કૅમેરા બંધ કરો, નહીં તો હું ભૂલી જઈશ કે હું સંસદસભ્ય છું. જો પાછા આવશો તો મારીને મોકલીશ. હું જે બોલું છું એ ખુલ્લેઆમ બોલું છું. મારા પર કાર્યવાહી કરવાની હશે તો પોલીસ કરશે. હું કાર્યવાહી માટે તૈયાર છું. તમે મારા મોઢામાં શું કામ માઇક ઠોસો છો. તમે પહેલાં ત્યાં શિવસેના (UBT)માં જઈને આવ્યા છો અને પછી આવ્યા છો. આવું શું કામ કરો છો?’
એકનાથ શિંદેએ ડૅમેજ કન્ટ્રોલ કરવાની કોશિશ કરી
સંસદસભ્ય સંજય પાટીલનાં ઉશ્કેરાટભર્યાં અને બેફામ નિવેદનોને કારણે લોકોમાં શિવસેનાની ઇમેજ ખરડાઈ શકે છે એવું લાગતાં એકનાથ શિંદેએ ડૅમેજ કન્ટ્રોલ કરવા આગળ આવવું પડ્યું હતું. જોકે તેમણે સંજય પાટીલના વર્તનને સંજય રાઉતના રોજેરોજના ઘોંચપરોણા અને કમેન્ટને કારણે તેઓ ઉશ્કેરાયા છે, બાકી તેમને પત્રકારો સાથે કોઈ વિવાદ નથી એમ કહીને વાત પર પડદો પાડવાની અને મામલો શાંત કરવાની કોશિશ કરી હતી. એકનાથ શિંદેએ આ બાબતે કહ્યું હતું કે ‘મારી સંજય પાટીલ સાથે ચર્ચા થઈ છે. તેમણે મને કહ્યું કે પત્રકારો બાબતે ખોટું સ્ટેટમેન્ટ આપવાની તેમની કોઈ ઇચ્છા નહોતી. પત્રકારોની ભાવના દુભાવવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. સંજય રાઉત રોજેરોજ તેમના વિરોધમાં અપશબ્દો બોલે છે. તોડી નાખો, મારી નાખો, ઘરમાં ઘૂસીને મારો જેવી એકદમ હલકી કક્ષાની કમેન્ટ કરે છે, નીચ શબ્દો વાપરે છે એનો સંજય પાટીલને ગુસ્સો છે. આ મીડિયાનું પણ અપમાન છે. તમને પણ ખબર છે કે કેટલાય દિવસોથી તેમનું આ ચાલી રહ્યું છે એનો તેમને ગુસ્સો છે. બાકી પત્રકારો બાબતે સંજય પાટીલને કોઈ ગુસ્સો નથી. મેં તેમને કહ્યું છે કે કોઈ પણ લોકપ્રતિનિધિએ પત્રકારો બાબતે આવાં નિવેદનો ન કરવાં. જો તમે પત્રકારો બાબતે ઘસાતું બોલ્યા હો તો એ બદલ દિલગીરી વ્યક્ત કરવી.’
સંજય પાટીલના વર્તનથી દેવેન્દ્ર ફડણવીસ નારાજ, આવાં નિવેદનો ફરી ન કરવાની સ્પષ્ટ ચેતવણી
સંજય પાટીલના પત્રકારો સાથેના વિવાદને લઈને વિરોધ પક્ષ અને મીડિયા બન્ને સરકારના માથે માછલાં ધોઈ રહ્યાં છે ત્યારે તેમના એ વર્તનને લઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નારાજ છે. તેમણે નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદે સાથે આ માટે મીટિંગ કરી હતી અને એમાં તીવ્ર નારાજગી દર્શાવી હતી. દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને શિવસેનાના નેતાઓ દ્વારા ભૂતકાળમાં કરાયેલાં આવાં વિવાદાસ્પદ બયાનોની યાદી જ મૂકી દીધી હતી. એની સાથે જ સ્પષ્ટ ચેતવણી પણ આપી કે મહાયુતિમાં હવે પછી આવી બાબતો નહીં ચલાવી લેવાય. તેમણે કહ્યું હતું કે ‘સંજય દિના પાટીલ હવે મહાયુતિના સંસદસભ્ય છે અને ભવિષ્યમાં કોઈ પણ સંસદસભ્ય, વિધાનસભ્ય કે પ્રધાન દ્વારા કરાયેલાં આ પ્રકારનાં નિવેદનોને સહન નહીં કરાય. આવી ઘટના ફરી ન થવી જોઈએ. એ માટે પાર્ટીના લીડરે ખાસ સાવધાની રાખવી જરૂરી છે.’
પત્રકારોને ખખડાવતા અને ગાળો ભાંડતા સંજય પાટીલનો મીડિયા દ્વારા બહિષ્કાર
સંસદસભ્ય સંજય દિના પાટીલ દ્વારા મીડિયાના કર્મચારીઓ પ્રત્યેના આક્રમક, અપમાનજનક અને ધમકીભર્યા વર્તનની સખત નિંદા કરવા માટે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રૉનિક મીડિયાના પત્રકારોએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની સામે ગઈ કાલે જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને સંજય પાટીલ તેમની બિનશરતી માફી માગે એવી માગણી કરી હતી. એટલું જ નહીં, તેમનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો હતો. પત્રકારો દ્વારા આવું જ વિરોધ-પ્રદર્શન રાજ્યનાં અન્ય શહેરોમાં પણ કરવામાં આવ્યું હતું.
સંજય પાટીલે પત્રકારોને કહ્યું હતું કે ‘તમે જે ફાવે એ લખો, પ્રસારિત કરો, રેકૉર્ડ કરો... જો મેં કંઈ ખોટું કર્યું હશે તો પોલીસ છેને, એ ઇન્ક્વાયરી કરશે. હું ઇન્કવાયરી માટે તૈયાર છું.’ આમ કહીને તેમણે પત્રકારોને ગાળો પણ ભાંડી હતી અને તેમને ધમકાવતાં કહ્યું હતું કે જો બીજી વાર અહીં આવશો તો મારીશ. તેમના ઉદ્ધત અને અપમાનજનક વર્તનને લઈને નારાજ પત્રકારોએ તેમનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. તેમની પ્રેસ-કૉન્ફરન્સમાં કોઈ પણ પત્રકાર જશે નહીં એવો નિર્ણય તેમણે લીધો હતો.
વિવિધ ડિજિટલ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક મીડિયાનાં પત્રકાર સંગઠનો હેઠળ એક થઈને મીડિયા સમુદાયે TMC મુખ્યાલયની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી તાત્કાલિક અને બિનશરતી જાહેર માફીની માગણી કરી હતી. વિરોધ પક્ષના નેતાઓએ આ ઘટનાને પૉલિટિકલ પાવરનો સ્વીકારી ન શકાય એવો અતિરેક અને પ્રેસની સ્વતંત્રતા પર સીધો હુમલો ગણાવ્યો હતો.
કાળી રિબન બાંધી પ્રદર્શનો કરવા ઉપરાંત પત્રકારોની અલગ-અલગ સંસ્થાઓએ સ્થાનિક પોલીસ અને પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને ઔપચારિક ફરિયાદો સુપરત કરી છે, જેમાં પ્રેસને ધાકધમકી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકલ પ્રેસ ક્લબોએ કડક ચેતવણી જાહેર કરી છે કે જો જાહેર માફી નહીં માગે તો તેમના ભાવિ દેખાવો અને પ્રેસ-કૉન્ફરન્સનો સંપૂર્ણ મીડિયા બહિષ્કાર કરશે.
આખા દિવસના ડ્રામા પછી સંજય પાટીલે પત્રકારોની માફી માગી
પત્રકારો સાથે થયેલા વિવાદને પગલે વરિષ્ઠોની નારાજગીનો ભોગ બનેલા શિવસેનાના સંસદસભ્ય સંજય પાટીલે આખરે પત્રકારો દ્વારા બહિષ્કાર થતાં પક્ષના મોવડીઓની ખફગી વહોરી લીધા પછી તેમની સમજાવટના અંતે પત્રકારોની માફી માગી લીધી હતી. આ માફીનો વિડિયો તેમણે સોશ્યલ મીડિયામાં મૂક્યો હતો. એ વિડિયોમાં સંજય પાટીલે કહ્યું હતું કે ‘જે વિવાદ મારી અને પત્રકારો વચ્ચે થયો એ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. આવું શા માટે થયું એ હું કહેવા માગું છું. જ્યારથી મેં શિવસેનામાં પ્રવેશ કર્યો છે ત્યારથી એકદમ ખરાબ શબ્દોમાં અને ગાળો ભાંડીને મારું અપમાન કરવામાં આવતું હતું. છતાં હું એ અપમાન સહન કરતો હતો. ગઈ કાલે ફરી એક વાર કેટલાક પત્રકારમિત્રો આવ્યા હતા. મેં તેમને હાથ જોડીને વિનંતી કરી કે આ બાબતે તમે મને કંઈ ન પૂછો, મારે આ બાબતે જે કંઈ કહેવાનું હતું એ હું બોલી ચૂક્યો છું, હવે એ વિશે મહેરબાની કરીને કંઈ ન બોલો. મેં તેમને હાથ જોડીને કહ્યું કે આજે છે એ મારું પ્રકરણ છે, મને ગાળો ભાંડશો તો એ ઠીક છે; પણ મારા પરિવારને, મારી દીકરીને, પત્નીને, માતાને અને સ્વર્ગસ્થ પિતાને પણ ગાળો ભાંડો છો એવું ન કરો; તેમનાથી દૂર રહો. મેં એ માટે તેમને વાંરવાર વિનંતી કરી હતી. એમ છતાં ફરી એક વાર મારી પત્ની બદલ, મારા પિતા બદલ ખરાબ અને ખોટું બોલવામાં આવ્યું. તેઓ ફરી-ફરીને એ જ પૂછી રહ્યા હતા. મેં તેમને વિનંતી કરી પણ એમ છતાં તેઓ ન અટક્યા અને એ પ્રકાર ચાલુ જ રાખ્યો. એમાં જરા વિવાદ વધુ થઈ ગયો. મારા મોંમાંથી ભૂલથી કેટલાક અપશબ્દો નીકળ્યા. હું એ માટે ફરી એક વાર તે પત્રકારોની અને બધા જ પત્રકાર-સમાજની મનથી દિલગીરી વ્યક્ત કરું છું. મેં જે કર્યું એ માટે હું જ જવાબદાર છું. એ માટે મારા પરિવારને આનાથી દૂર જ રાખો એવી વિનંતી કરું છું.’