29 December, 2024 12:19 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
સતીશ અને મોહિની વાઘ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પુણેના નેતા અને વિધાન પરિષદના સભ્ય યોગેશ ટિળેકરના મામા સતીશ વાઘનું અપહરણ કરીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટનામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અનૈતિક સંબંધને લઈને આ હત્યા પત્ની મોહિનીએ જ તેના પ્રેમી સાથે મળીને કરાવી હોવાનું જણાયા બાદ હવે મોહિનીએ પતિને શા માટે ખતમ કરવામાં આવ્યા એ વિશે ચોંકાવનારો દાવો કર્યો છે.
પુણેમાં હોટેલ વ્યાવસાયિક સતીશ વાઘની હત્યા શા માટે કરી? એવો સવાલ આ કેસની તપાસ કરી રહેલા પુણે પોલીસના ઇન્સ્પેક્ટર સુદર્શન ગાયકવાડે કર્યો હતો. એના જવાબમાં મોહિની વાઘે કહ્યું હતું કે ‘મારા પતિ સતીશના પણ અનૈતિક સંબંધ હતા. તેઓ દસ વર્ષથી મને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ બધું અસહ્ય બની જતાં પ્રેમી અક્ષય જાવળકર સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. હત્યા કરવા માટે પાંચ લાખ રૂપિયાની સુપારી આપીને પતાવી નાખ્યા.’
પોલીસે સતીશ વાઘની હત્યાના મામલામાં તેની પત્ની મોહિની અને અક્ષય જાવળકર સહિત અત્યાર સુધી છ આરોપીની ધરપકડ કરી છે.