04 June, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો ત્યાર બાદ સ્કૂલ બસ-ઓનર્સ અસોસિએશન (SBOA) દ્વારા સ્કૂલ બસ-ફીમાં વધારો ન થાય એ માટે સરકાર તરફથી કોઈ મદદ કે ઉપાય યોજના કરાય એ માટે કરેલા પ્રયત્નો નિષ્ફળ જતાં બુધવારે સ્કૂલ બસ-ફીમાં ૧૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. SBOAએ જણાવ્યા મુજબ સરકાર, રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઉપરાંત સંબંધિત અધિકારીઓને આ મુદ્દે કરાયેલી વિનંતીઓને કોઈ પ્રતિસાદ ન મળતાં ફીવધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફ્યુઅલના વધેલા ભાવ, ડ્રાઇવર અને કર્મચારીઓનો પગાર, બસ-મેઇન્ટેનન્સ, ટોલ-ફી અને લાઇસન્સનો ખર્ચ, ઇન્શ્યોરન્સનો ખર્ચ વગેરે ખર્ચને પહોંચી વળવા બસની ફીમાં ૧૫ ટકાનો વધારો પ્રસ્તાવિત હતો જેના પર ગઈ કાલે આખરી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું SBOAના એ અધિકારીએ જણાવ્યું હતું.
વસઈમાં રિક્ષા અને એના ડ્રાઇવરને લૂંટનારા ગણતરીના કલાકોમાં પકડાયા
વસઈમાં એક રિક્ષા-ડ્રાઇવરને બંધક બનાવીને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. ત્રણ રીઢા ગુનેગારોએ રિક્ષા ભાડે કરવાના બહાને ડ્રાઇવરને વિશ્વાસમાં લીધો હતો અને ત્યાર બાદ તેને નિર્જન જંગલ વિસ્તારમાં લઈ જઈને, બેરહેમીથી ઢોરમાર મારીને તેની રોકડ રકમ અને રિક્ષા લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે વિરાર પોલીસ-સ્ટેશનની ક્રાઇમ ડિટેક્શન સ્ક્વૉડે ગુનાના ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા અને લૂંટેલી રિક્ષા પણ રિકવર કરી હતી.
સાકીનાકામાં પાઇપલાઇન ફૂટી, સેંકડો લીટર પાણીનો થયો બગાડ
અંધેરીના સાકીનાકામાં આવેલી પાઇપલાઇન ફૂટી જતાં સેંકડો લીટર પાણીનો બગાડ થયો હતો. રસ્તા પર પાણી ભરાઈ જાય એટલી હદે પાણી બરબાદ થયું હતું. ફૂટેલી પાઇપલાઇનમાંથી પાણીના ફુવારા ઊડતા હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો, જે ધ્યાનમાં આવતાં જ BMCએ કમ્પ્લેઇન્ટ રજિસ્ટર કરી હતી. થોડી વારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્માચારીઓએ ત્યાં પહોંચીને પાઇપલાઇન રિપેર કરી હતી.