17 October, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળ
ભંડારા જિલ્લામાં ગઈ કાલે રસ્તા પરના ખાડાથી બચવા જતાં એક સ્કૂલ વૅનના ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવ્યો હતો. ફંગોળાયેલી વૅન સીધી પુલ પરથી નીચે પટકાઈ હતી. જોકે પુલ બહુ ઊંડો ન હોવાથી બાળકો બચી ગયાં હતાં પણ ૬ વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી.
ભંડારા જિલ્લાના ભંડારા તાલુકાના ખમારી રોડ પર સુરેવાડા પાસેના પુલ પરથી ગઈ કાલે બપોરે બે વાગ્યે આ સ્કૂલ વૅન પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં. સ્થાનિક લોકોનું કહેવું હતું કે ભિલેવાડાથી લઈને સુરેવાડા, ખામરી અને એથી આગળ વધતાં કરડી સુધીના રસ્તાનું અનેક વાર બાંધકામ થયું છે પણ બાંધકામ કરતી વખતે હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાતું હોવાથી રોડમાં મોટા-મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગઈ કાલે પણ આવા મોટા ખાડામાં વૅન ન પટકાય એ માટે ડ્રાઇવર બચાવવા ગયો હતો એમાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીઓ ઉપરાંત ડ્રાઇવર ઉમેશ મેશ્રામ પણ ઘાયલ થયો હતો. ઘાયલોને ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.