મહારાષ્ટ્રમાં `પાકિસ્તાન ઝિંદાબાદ`ના નારા લગાવવા બદલ રાજદ્રોહનો કેસ નોંધાયો, જાણો વિગત

25 September, 2022 09:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીએફઆઈએ સંગઠન પર દેશવ્યાપી કાર્યવાહી અને તેના કાર્યકરોની ધરપકડની નિંદા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું

ફાઇલ તસવીર

NIAના નેતૃત્વમાં ગુરુવારે ઘણા રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ની ઑફિસો અને નેતાઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના વિરોધમાં PFIના કાર્યકરો શુક્રવારે મહારાષ્ટ્રના પુણેમાં જિલ્લા કલેક્ટરની ઑફિસ બહાર એકઠા થયા હતા. આ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. હવે આ મામલે દેશદ્રોહના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “બે અલગ-અલગ વીડિયો આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે, પરંતુ મહારાષ્ટ્રમાં જો કોઈ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશે તો અમે તેને છોડશું નહીં. અમે રાજદ્રોહના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે."

રાજ્યમાં આવા સૂત્રોચ્ચાર સાંખી લેવામાં આવશે નહીં

આ પહેલા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાજ્યમાં આવા સૂત્રોચ્ચાર સાંખી લેવામાં આવશે નહીં. સીએમ શિંદેએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, "પોલીસ તંત્ર તેમની સામે યોગ્ય કાર્યવાહી કરશે. છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિમાં આવા નારા સહન કરવામાં આવશે નહીં." કથિત વીડિયોમાં શુક્રવારના વિરોધ પ્રદર્શન દરમિયાન PFI કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી હતી ત્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.

પીએફઆઈએ વિરોધ નોંધાવ્યો હતો

પીએફઆઈએ સંગઠન પર દેશવ્યાપી કાર્યવાહી અને તેના કાર્યકરોની ધરપકડની નિંદા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન અનેક વિરોધીઓની અટકાયત કરવામાં આવી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નેતૃત્વમાં ગુરુવારે દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન PFIના 106 નેતાઓ અને કાર્યકરોની દેશમાં આતંકવાદી ગતિવિધિઓને સમર્થન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: AC Local: આ દિવસથી વધુ 31 એસી લોકલ સેવાઓ દોડાવશે પશ્ચિમ રેલવે, જાણો વિગત

mumbai mumbai news maharashtra devendra fadnavis