ફોટો પાડવાની આવી ઘેલછા!

18 March, 2026 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાડોબામાં વાઘને જોઈને વાહનચાલકો ફોટો અને વિડિયો લેવા જીવના જોખમે રસ્તા પર ઊતરી આવ્યા, વાઘ પણ ગભરાઈને ભાગ્યો તો લોકોએ એનો પીછો કર્યો

વાઘને જોઈને એનો ફોટો અને વિડિયો લેવા માટે લોકો ભેગા થઈ ગયા હતા.

તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વ (TATR)ની અંદર મોહર્લી-પદ્‍માપુર રોડ પર લોકોનાં ટોળાંએ વાઘને ઘેરી  લીધો હોય એવો એક વિડિયો વાઇરલ થયો છે જેણે વન્યજીવન સુરક્ષા અને ટૂરિસ્ટોના વર્તન વિશે ગંભીર ચિંતા ઊભી કરી છે. આ ઘટના બાદ TATR મૅનેજમેન્ટે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન લૉની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે અને સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. 

આ ઘટના રવિવારે સાંજે બની હતી. ટાઇગર રિઝર્વની વાઘણ છોટી મધુનું એક પુખ્ત વયનું બચ્ચું મોહર્લી નજીક રસ્તો ક્રૉસ કરી રહ્યું હતું ત્યારે એને પસાર થવા દેવાને બદલે ઘણા લોકો પોતાનાં વાહન રોકીને રસ્તા પર ઊતરી ગયા હતા અને ફોટોગ્રાફ્સ અને વિડિયો કૅપ્ચર કરવા માટે વાઘની નજીક જવા માંડ્યા હતા.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં લોકો જોખમી રીતે વાઘની નજીક જતા જોવા મળ્યા હતા જ્યારે વાઘ તેમનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વાઇલ્ડલાઇફ ઑબ્ઝર્વર્સનું કહેવું છે કે આ વર્તનથી લોકો પોતાનો જીવ જોખમમાં નથી મૂકતા પરંતુ વાઘને તકલીફ પહોંચાડે છે. 

mumbai news mumbai maharashtra news maharashtra social media viral videos wildlife