૧૦ લાખ રૂપિયા સાથે લઈને દૂધ લેવા ગયેલા મારવાડી વેપારી લૂંટાઈ ગયા

12 May, 2026 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરીની ઘટના : સિનિયર સિટિઝન પર હુમલો કર્યા પછી પર્સ છીનવીને બદમાશ ફરાર

પ્રતીકાત્મક તસવીર

અંધેરી-ઈસ્ટના ગુંદવલી વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષના મારવાડી સિનિયર સિટિઝન વેપારીની રવિવારે વહેલી સવારે મારઝૂડ કરીને બદમાશ ૧૦ લાખ રૂપિયાની રોકડ તડફાવીને નાસી ગયો હતો. આ મામલે અંધેરી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મારવાડી વેપારી રવિવારે સવારે દૂધ લઈને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે લિટલ ફ્લાવર સ્કૂલ પાસે આવેલા સિલ્વર આર્ચ બિલ્ડિંગની નીચે આ ઘટના બની હતી. બદમાશે વૃદ્ધને માત્ર લૂંટ્યા જ નહોતા, તેમના જીવને જોખમ ઊભું થાય એ રીતે તેમની મારપીટ કરીને રસ્તા પર પછાડી દીધા હતા અને તેમની પાસે રહેલું રોકડ રકમ સાથેનું પર્સ આંચકીને નાસી છૂટ્યા હતા.

અંધેરી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી રવિવારે સવારે ૭.૧૫ વાગ્યે નજીકની મૂનલાઇટ ડેરીએ દૂધ લેવા ગયા હતા. દૂધ અને શાકભાજી લઈને તેઓ પોતાના બિલ્ડિંગ નીચે પહોંચ્યા ત્યારે અચાનક એક યુવકે તેમના હાથમાં રહેલું પર્સ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધે પ્રતિકાર કર્યો ત્યારે આરોપીએ તેમને જોરદાર ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા અને હાથ અને લાતથી મારપીટ કરી હતી, જેને કારણે તેમને હાથ અને પગના ભાગમાં ઈજા થઈ હતી. આ હુમલા બાદ આરોપી પર્સ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ચોર ૧૦ લાખ રૂપિયા રોકડા, પૅન કાર્ડ અને ATM કાર્ડ લઈને ફરાર છે. આ કેસમાં આરોપીની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં ફરિયાદીને ઇલાજ માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’

mumbai news mumbai andheri mumbai crime news Crime News mumbai police