✕

તુકારામ મુંઢેની નોટિસને અજય દેવગને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારી

31 October, 2026 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હુક્કા-તમાકુની પ્રોડક્ટ્સ વિરુદ્ધ હળવા હાથે કામ લેતા FDAના ૪ ઑફિસરોને સસ્પેન્ડ કર્યા તુકારામ મુંઢેએ

અજય દેવગન અને તુકારામ મુંઢે

વિમલ ઇલાયચીની જાહેરાતને લઈને અજય દેવગન, શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ મામલે ત્રણેય અભિનેતાઓએ મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ દાખલ કરી દીધો છે. બીજી તરફ અજયે એક પગલું આગળ વધીને આ મામલો કોર્ટમાં પહોંચાડ્યો છે. તેણે FDAની નોટિસને પડકારીને બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
મહારાષ્ટ્રના FDAએ વિમલ ઇલાયચીની જાહેરાતમાં જોવા મળવા બદલ ત્રણેય અભિનેતાઓ પાસેથી જવાબ માગ્યો હતો. વિભાગનો આરોપ છે કે આ જાહેરાતના માધ્યમથી મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત વિમલ પાનમસાલાનું પ્રમોશન થઈ શકે છે. આ જ કારણસર ત્રણેય કલાકારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
અજયે મહારાષ્ટ્રના FDA દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેણે અરજી દાખલ કરીને આ નોટિસને પડકારી છે. આ સાથે જ મામલાએ હવે કાનૂની વળાંક લીધો છે. જોકે અજયે પોતાની અરજીમાં કયા આધારો પર નોટિસને પડકારી છે અને કોર્ટ પાસેથી કઈ રાહત માગી છે એની વિગતો હજુ સામે આવી નથી.

પોતાની ફરજ બદલ ખૂબ જ સમર્પિત અને જરા પણ બેદરકારી સાંખી ન લેનારા નો-નૉનસેન્સ ઇન્ડિયન ઍડ્‌મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર તથા મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ કામમાં વેઠ ઉતારનારા અને યોગ્ય કાર્યવાહી ન કરનારા અધિકારીઓને પણ સાંખી લે એવા નથી. કામમાં બેદરકારી દાખવીને ગેરકાયદે ફ્લેવર્ડ-સેન્ટવાળા હુક્કાના તમાકુ બનાવનારા વિરુદ્ધ હળવે હાથે કામ લેનારા અને ઢીલ દાખવનારા ૪ FDA અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તથા તેમની વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓ પુણે, નાગપુર તથા સોલાપુરમાં ફરજ બજાવી રહ્યા હતા. 

ajay devgn tukaram mundhe food and drug administration mumbai news bombay high court mumbai