મન્નતમાં બે માળ વધારવાની પરવાનગીને પડકાર

12 March, 2025 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલી અપીલમાં અરજદારે કહ્યું કે શાહરુખ ખાને આ પહેલાં પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેને પરમિશન કઈ રીતે આપવામાં આવી?

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)

શાહરુખ ખાને બૅન્ડ-સ્ટૅન્ડ પર આવેલા પોતાના ‘મન્નત’ બંગલામાં બે માળ ઉમેરવા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ની પરવાનગી માગી હતી જે તેને મળી પણ ગઈ છે. જોકે આ પરવાનગીને સંતોષ દૌંડકર નામના સામાજિક કાર્યકરે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)માં પકડારી છે.

સંતોષ દૌંડકરે NGTમાં કરેલી અપીલમાં CRZએ આપેલી પરવાનગી સામે પ્રશ્ન ઊભો કર્યો છે. તેમનું કહેવું છે કે આ પહેલાં પણ શાહરુખ ખાને CRZના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી એને સુધાર્યા વગર CRZ તરફથી તેને પરમિશન કઈ રીતે આપવામાં આવી?

અપીલમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘શાહરુખે બે હેરિટેજ સ્ટ્રક્ચર એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાયમેટ ચેન્જ મિનિસ્ટ્રી પાસેથી એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ વગર જ તોડી પાડ્યા હતા જે CRZના નિયમો મુજબ ફરજિયાત છે. આ સિવાય જે પ્લૉટ પર આ બંગલો બાંધવામાં આવ્યો છે એ ડેવલપમેન્ટ પ્લાન મુજબ આર્ટ ગૅલરી માટે અનામત હતો, પણ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી (MCZMA)ની પરવાનગી વગર જ એમાં બદલાવ કરી નાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંગલાના ગ્રાઉન્ડ પ્લસ સિક્સ ફ્લોર બાંધવા માટે પણ MCZMAની પરમિશન લેવામાં નહોતી આવી.’

આ સિવાય શાહરુખને મળેલી પરવાનગીને પકડકારતી અપીલમાં કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં પ્લાનમાં આ જગ્યાએ વન બેડરૂમ-હૉલ-કિચનના ૧૨ ફ્લૅટ માસ હાઉસિંગ માટે બતાવવામાં આવ્યા હતા, પણ પાછળથી એને મર્જ કરીને એક જ પરિવાર માટેનું લક્ઝરી રેસિડન્સ બનાવી દેવામાં આવ્યું હતું. 

જોકે NGTએ નોંધ્યું હતું કે અરજકર્તાએ જે ઉલ્લંઘનની વાતો કરી છે એ ૨૦૦૦થી ૨૦૦૬ની વચ્ચેની છે, જ્યારે અપીલ કરનારે જાન્યુઆરી ૨૦૨૫માં CRZએ આપેલી પરવાનગી સામે વાંધો લીધો છે. ત્યાર બાદ ટ્રિબ્યુનલે સંતોષ દૌંડકરને પોતાના આરોપોને સપોર્ટ કરવા માટે ચાર અઠવાડિયાંની અંદર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. એની સાથે NGTએ એ પણ કહ્યું હતું કે જો પુરાવા સુપરત કરવામાં નહીં આવે તો અપીલને રદ કરી દેવામાં આવશે. આ કેસની આગામી સુનાવણી હવે ૨૩ એપ્રિલે થવાની છે. 

mannat Shah Rukh Khan bollywood buzz mumbai news mumbai bollywood news bollywood bollywood gossips entertainment news